ચોરી સહિતના નવ ગુનામાં સંડોવાયેલ અને બે વાર પાસા કાપી ચૂકેલ તસ્કરે નાના મવા સર્કલ નજીકથી રીક્ષા ચોરી’તી
Rajkot,તા.30
શહેરના કાલાવડ રોડ પર અંડર બ્રિજ નજીકથી એલસીબી ઝોન-ટુ ની ટીમે ચોરાઉ રીક્ષા સાથે રીઢા તસ્કર હમીરને ઝડપી લીધો હતો. પોલીસે પૂછતાછ કરતા આ રીક્ષા તેણે નાના માવા સર્કલ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.કાલાવડ રોડ પર અંડર બ્રિજ પાસે આવેલા બગીચા પાસેથી એક શંકાસ્પદ રિક્ષા સાથે ઉભો છે જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમને અહીં પહોંચી શંકાસ્પદ રિક્ષા સાથે શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ હમીર કરમણભાઈ કુંવરિયા (ઉ.વ. 30 રહે. મચ્છુનગર કવાર્ટરની બાજુમાં રૈયાધાર પાણીના ટાંકા પાછળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી રીક્ષાના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસે તેની સઘન પૂછતાછ કરતા તેણે નાના મોવા સર્કલ પાસેથી રીક્ષા ચોરી કર્યાની કબુલાત આપી હતી. જે અંગે ખરાઈ કરતા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે રૂપિયા 10,000 ની કિંમતની રીક્ષા કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.હમીર કુંવરિયા વિરુદ્ધ અગાઉ રાજકોટના બી ડિવિઝન, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, આજીડેમ સહિતના પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના નવ ગુના નોંધાઈ ચૂક્યા છે અને અગાઉ વર્ષ 2024 અને વર્ષ 2025 માં તે પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.

