New Delhi,તા. 1
મંગળવારે રમાયેલી મહિલા ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચમાં છ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવીને આઠમી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા સાતમો વર્લ્ડ કપ જીતવાથી હવે માત્ર એક ડગલું દૂર છે.
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયન બોલિંગ સામે મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહી હતી અને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 125 રન જ બનાવી શકી હતી.
જેમાં મેથ્યુઝે 30 અને શેમેન કેમ્પબેલે 22 રનનું યોગદાન આપ્યું હતું. 126 રનનાં સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કરીને માત્ર 13 ઓવરમાં 2 વિકેટના ભોગે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
ઓસ્ટ્રેલિયાની આ આસાન જીતમાં બેથ મૂની અને એશ્લે ગાર્ડનરની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મૂનીએ 36 બોલમાં અણનમ 61 રનની ઇનિંગ રમી મેચ પોતાના નામે કરી લીધી હતી, જ્યારે ગાર્ડનરે 20 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા.
એલિસ પેરી 2 રન બનાવીને રન દોડતી વખતે ઇજાગ્રસ્ત થતાં રિટાયર્ડ હર્ટ થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ડિએન્ડ્રા ડોટિને અંતમાં 16 બોલમાં અણનમ 26 રન બનાવ્યાં હતાં, જ્યારે બોલિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી ગાર્ડનર અને જોનાસેનની ઓલરાઉન્ડર ત્રિપુટી તેમજ સોફી મોલિન્યુ અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ ઝડપી હતી.
આખી ટૂર્નામેન્ટમાં અજેય રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમ હવે ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.

