New York,તા. 1
ફિફા વર્લ્ડ કપ 2026ના નોકઆઉટ મુકાબલાઓમાં વિશ્વ ફૂટબોલના સુપરસ્ટાર ખેલાડીઓનો જલવો સતત જોવા મળી રહ્યો છે. મંગળવારે રમાયેલા રાઉન્ડ ઓફ-32ના હાઈ-વોલ્ટેજ મેચોમાં કિલિયન એમબાપ્પે અને એર્લિંગ હાલન્ડ પોતાની ટીમો માટે ફરી એકવાર ‘મેચ વિનર’ સાબિત થયાં છે. ફ્રાન્સે સ્વીડનને 3-0 થી કચડીને અંતિમ-16માં પ્રવેશ મેળવી લીધો છે.
જ્યારે નોર્વેએ એક રોમાંચક મુકાબલામાં આઇવરી કોસ્ટ (કોટ ડી આઇવર)ને 2-1 થી માત આપીને વર્ષ 1998 પછી પહેલીવાર વર્લ્ડ કપના રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરીને નવો ઇતિહાસ રચી દીધો છે.
એમબાપ્પેએ રચ્યો નવો રેકોર્ડ, ફ્રાન્સે સ્વીડનને 3-0 થી હરાવ્યું
મેચની શરૂઆતથી જ ફ્રાન્સે સ્વીડન પર પોતાનો આક્રમક દબદબો જાળવી રાખ્યો હતો. પ્રથમ હાફમાં ઘણી તકો ગુમાવ્યાં બાદ, આખરે હાફ ટાઇમની બરાબર પહેલાં કિલિયન એમબાપ્પેએ શાનદાર ગોલ કરીને ફ્રાન્સને 1-0 ની લીડ અપાવી હતી.
બીજા હાફમાં માઇકલ ઓલિસેના જાદુઈ પાસ પર બે્રડલી બારકોલાએ ગોલ કરીને સ્કોર 2-0 કરી દીધો હતો. ત્યારબાદ 74મી મિનિટે એમબાપ્પેએ વ્યક્તિગત બીજો ગોલ કરીને સ્વીડનની વાપસીના તમામ દરવાજા બંધ કરી દીધાં હતાં.
આ બેવડા ગોલની મદદથી એમબાપ્પેના વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ 18 ગોલ થઈ ગયા છે. તે હવે વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારો સંયુક્ત બીજો ખેલાડી બની ગયો છે અને લિયોનેલ મેસીના રેકોર્ડથી માત્ર એક ગોલ પાછળ છે.
આ સાથે જ તેણે વર્લ્ડ કપના માત્ર નોકઆઉટ સ્ટેજમાં જ 10 ગોલ પૂરા કરવાનો એક નવો બેજોડ વર્લ્ડ રેકોર્ડ પણ પોતાનાં નામે કરી લીધો છે. હવે રાઉન્ડ ઓફ 16માં ફ્રાન્સનો સામનો પરાગ્વે સામે થશે.
હાલન્ડનો ક્લાસ શો : નોર્વેએ 28 વર્ષ બાદ ઇતિહાસ રચ્યો
બીજા રોમાંચક મુકાબલામાં નોર્વેએ આઇવરી કોસ્ટને 2-1 થી હરાવીને 28 વર્ષનાં લાંબા ગાળા બાદ અંતિમ-16માં જગ્યા પાકી કરી છે. નોર્વે માટે મેચની 39મી મિનિટે એન્ટોનિયોએ શાનદાર ગોલ કરીને ટીમને સરસાઈ અપાવી હતી. જો કે, બીજા હાફમાં આઇવરી કોસ્ટના અમાદ ડિયાલોએ શાનદાર વ્યક્તિગત કૌશલ્ય બતાવીને ગોલ કર્યો અને મેચને 1-1 ની બરાબરી પર લાવી દીધી હતી.
મેચ જ્યારે અંતિમ ક્ષણોમાં હતી ત્યારે 86મી મિનિટે એર્લિંગ હાલન્ડ કે પેટ્રિક બર્ગના લો-ક્રોસ પાસ પર ઝડપથી ગોલ કરીને નોર્વેને ઐતિહાસિક જીત અપાવી દીધી હતી. હાલન્ડનો વર્તમાન વર્લ્ડ કપમાં આ પાંચમો અને તેના આંતરરાષ્ટ્રીય કરિયરનો 60મો ગોલ હતો.
ખાસ વાત એ છે કે હાલન્ડ પોતાનાં કરિયરના પ્રથમ વર્લ્ડ કપની શરૂઆતની ત્રણેય મેચોમાં સતત ગોલ કરનારા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. હવે નોકઆઉટના આગલાં રાઉન્ડમાં નોર્વેની સીધી ટક્કર બ્રાઝિલ સામે થશે.
બંને સ્ટાર ખેલાડીઓએ ટ્રોફીની આશા વધારી
વિશ્વ ફૂટબોલના બે સૌથી મોટા ખેલાડીઓ આ વર્લ્ડ કપમાં સતત અદભુત ફોર્મમાં ચાલી રહ્યાં છે. એમબાપ્પે જ્યાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરીને ‘ગોલ્ડન બૂટ’ની રેસમાં મજબૂતીથી આગળ વધી રહ્યો છે, ત્યાં હાલન્ડ પોતાનાં પ્રથમ જ વર્લ્ડ કપમાં નોર્વેને એક નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે. આ બંને ખેલાડીઓના ફોર્મે આગામી નોકઆઉટ મેચોનો રોમાંચ બમણો કરી દીધો છે.
રાઉન્ડ ઓફ-32 : આજનું શિડ્યુઅલ ભારતીય સમયાનુસાર
ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ-32માં આજે પણ ચાર અત્યંત રોમાંચક મુકાબલા ખેલાશે. જેમાં સૌથી વધુ આકર્ષણ ઇંગ્લેન્ડ અને ડીઆર કોંગો વચ્ચેની મેચનું રહેશે, જ્યાં ઇંગ્લેન્ડ પોતાનાં નોકઆઉટ અભિયાનની શરૂઆત કરશે. આ સિવાય બેલ્જિયમ અને સેનેગલ વચ્ચે પણ જોરદાર ટક્કર જોવા મળશે.
સમય રાઉન્ડ મેચ
રાત્રે 09ઃ30 વાગ્યે (01 જુલાઈ) રાઉન્ડ ઓફ-32 ઇંગ્લેન્ડ વિરુદ્ધ ડીઆર કોંગો
રાત્રે 01ઃ30 વાગ્યે (02 જુલાઈ) રાઉન્ડ ઓફ-32 બેલ્જિયમ વિરુદ્ધ સેનેગલ
સવારે 05ઃ30 વાગ્યે (02 જુલાઈ) રાઉન્ડ ઓફ-32 અમેરિકા વિરુદ્ધ બોસ્નિઆ અને હર્ઝેગોવિના

