London, તા.01
વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત ભારે ગરમી વચ્ચે થઈ છે. ગયા વર્ષે ટૂર્નામેન્ટનો પ્રથમ દિવસ 33 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે પણ તાપમાન 30 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આયોજકોએ પ્રથમ વખત હીટ સ્ટ્રેસ ઇન્ડેક્સનો અમલ કર્યો છે.
તાપમાન, ભેજ અને સપાટીના તાપમાનના આધારે આ ઇન્ડેક્સ 30 ડિગ્રીથી વધુ થતાં ખેલાડીઓને સિંગલ્સ મેચમાં 10 મિનિટ (વ્હીલચેરમાં 15 મિનિટ)નો હીટ બ્રેક મળશે. જોકે ડબલ્સ મેચમાં આ નિયમ લાગુ નહીં પડે. સેન્ટર કોર્ટની છત બંધ હોય તો વધુ ગરમીમાં પણ મેચ ચાલુ રહેશે.
બીજી તરફ, બ્રિટનની સ્ટાર ખેલાડી એમા રાડુકાનૂ જમણા પગની ગંભીર ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ડોક્ટરોની સલાહ બાદ આ નિર્ણય લેવો પડ્યો.
જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વિશ્વના નંબર-1 ખેલાડી યાનિક સિનરને પ્રથમ રાઉન્ડમાં જીત માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે 1-2થી પાછળ રહ્યા બાદ વિશ્વના 50મા ક્રમાંકિત મિયોમિર કેકમાનોવિચને પાંચ સેટમાં 4-6, 6-3, 6-7, 6-2, 6-3થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
ફ્રેન્ચ ઓપન બાદ સિનરની આ પ્રથમ સત્તાવાર મેચ હતી, જેમાં તેણે જોરદાર વાપસી સાથે પોતાના ખિતાબ બચાવવાના અભિયાનની સફળ શરૂઆત કરી.

