(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧
Jamnagar જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં સાપરાધ મનુષ્યવધનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ દાહોદ જિલ્લાના રહેવાસી મહેન્દ્રભાઈ ભોળાભાઈ સંગાડા અને આરોપી ઇનુ ઉર્ફે વિનુ લાલસીંગભાઈ ગરાસિયા કાલાવડ તાલુકાના મુળીલા ગામ નજીક આવેલી એક વાડીમાં મજૂરી કામ માટે સાથે રહેતા હતા. દરમિયાન શાક-રોટલી બનાવવાની સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.આરોપીએ ઝઘડા દરમિયાન મહેન્દ્રભાઈને કૂવામાં ધક્કો માર્યો હોવાનું અને કૂવામાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતકની પત્ની સુરેખાબેન મહેન્દ્રભાઈ સંગાડાની ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપી ઇનુ ઉર્ફે વિનુ લાલસીંગભાઈ ગરાસિયા, રહે. ભટીસરા ગામ, જિલ્લો દાહોદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૫ અને ૧૧૫(૨) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

