(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧
Jamnagar-કાલાવડ હાઇવે પર વીજરખી ડેમની ગોળાઈ પાસે દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જનાર એક વેપારીને પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ તા. ૨૯ જૂન ૨૦૨૬ના રોજ સાંજે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફ જામનગર-કાલાવડ હાઇવે પર વીજરખી ડેમ નજીક પહોંચ્યો હતો. ત્યારે સામેથી આવી રહેલી ટાટા સફારી કાર નં. જીજે-૧-કેએમ-૭૫૪૩ સર્પાકાર રીતે ચાલી રહી હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા પરથી નીચે ઉતરી જઈ પલટી મારી ગઈ હતી.
પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી કારચાલકને બહાર કાઢ્યો હતો. તપાસ દરમિયાન કારચાલક દારૂના નશામાં હોવાનું જણાયું હતું. તેની જીભ થોથરાતી હતી, મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી, આંખો લાલ અને નશાગ્રસ્ત હાલતમાં હતી તેમજ તે શરીરનું સમતોલન પણ જાળવી શકતો ન હતો.
પોલીસે નામ-સરનામું પૂછતાં તેણે પોતાનું નામ મુકેશ કેશવજી સભાયા (ઉંમર ૫૪ વર્ષ), વ્યવસાયે વેપારી, રણજીતનગર, લેઉવા પટેલ સમાજની વાડી પાસે, જામનગર હોવાનું જણાવ્યું હતું.દારૂ પીવા અંગે પાસ-પરમિટ અથવા અન્ય કોઈ કાનૂની આધાર પુરાવો માંગતા તેની પાસે કોઈ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે બે પંચોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૫ તથા પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ સહાયક પોલીસ ઇન્સ્પેક્ટર શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજા ચલાવી રહ્યા છે.અકસ્માતગ્રસ્ત કાર તેના મિત્ર અમૃતલાલ નાનજીભાઈ મારૂને કાયદેસરની કાર્યવાહી બાદ સોંપવામાં આવી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

