Gandhinagar, તા.3
રાજ્યના રહેણાંક એપાર્ટમેન્ટમાં સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા બાબતે બિલ્ડરો અને સોસાયટી વચ્ચે વિવાદો થતા હોય છે ત્યારે એક મહત્વના ચુકાદ્દામાં ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે, જો બિલ્ડર દ્વારા રેરામાં મંજૂર કરાવેલા પ્લાનમાં એપાર્ટમેન્ટમાં સોલર સિસ્ટમ નાખવાનો ઉલ્લેખ કર્યો હોય તો તે નાખી આપવું પડે.
આ સાથે રેરા દ્વારા વાડજ વિસ્તારમાં આવેલા શાશ્વત ફ્લેટમાં સોલર સિસ્ટમ નાખી આપવાનો તેમજ આ ફ્લેટમાં નબળા બાંધકાના કારણે ફ્લેટ નંબર 101 થી 701 અને ફ્લેટ નંબર 102 થી 702માં વોટર લીકેજ થતું હોવાથી તેનું સમારકામ કરી આપવા વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામને બિલ્ડર ફર્મને આદેશ કર્યો હતો.
કેસની વિગતો મુજબ અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા શાશ્વત એપાર્ટમેન્ટની સમિતી દ્વારા બિલ્ડર વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે કેસ કરવામાં આવ્યો હતો કે તેઓ દ્વારા સાત માળનું બિલ્ડીંગ બાંધવામાં આવ્યું છે. તેમા 30 ફ્લેટ છે. પરંતુ તેમાં અનેક ખામીઓ રાખવામાં આવી છે અને આવી દસ ખામીઓ બાબતે રેરામાં કેસ કરવામાં આવ્યો હતો.
તે મુજબ બિલ્ડીંગમાં ઊંડી અને મોટી તિરાજો પડી ગઇ હોવાથી ફ્લેટોમાં પાણી આવે છે. વરસાદમાં ડોલથી ઉલેચવું પડે તેટલું બધુ પાણી આવે છે. ડ્રેનેજ સિસ્ટમમાં લીકેજ છે. અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી ઉપર સોસાયટીના કોમન સંડાસ બાથરૂમ બાંધવામાં આવ્યા હોવાથી તેનું પાણી લીકેજ થઇને અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડે તો રહીશોના આરોગ્ય સામે જોખમ થાય તેમ છે. પાર્કીંગની સમસ્યા છે.
સિક્યુરીટી કેબિન બનાવી આપેલ નથી. ગ્રાઉન્ડ ફ્લોરના ફ્લેટ ધારકો દ્વારા કોમન જગ્યાઓ પચાવી પાડવામાં આવી છે. ચિલ્ડ્રન પ્લે એરિયા ક્લબ હાઉસ બનાવી આપેલ નથી.
આ બાબતે બિલ્ડર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે, સ્ટ્રક્ચરલ ડિફેક્ટ માટે રીપેરીંગ કામ કરી આપેલ છે. અન્ડરગ્રાઉન્ડ ટાંકી ઉપર સંડાસ બાથરૂમ સોસાયટી બીજે ખસેડી કે તોડી નાખી શકે છે.
ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ વગેરે નક્શામાં કે બ્રોશરમાં આપવામાં આપેલ છે તેથી બનાવી આપેલ નથી. સોસાયટીના કેટલાક સભ્યો દ્વારા કોમન જગ્યા પચાવી પાડી હોવાથી તેમની અને સોસાયટી વચ્ચે દિવાની દાવો ચાલે છે તેથી રેરામાં દાદ માંગી શકાય નહી. સોસાયટી દ્વારા આપવામાં આવેલી લીગલ નોટીસના જવાબમાં સોલર સિસ્ટમ નાખી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.
ઉપરોક્ત રજૂઆતો સાંભળ્યા બાદ રેરા દ્વારા ઠરાવવામાં આવ્યું હતું તે, આ કામમાં ફરિયાદીની જનરલ રજૂઆત છે ક્યા ફ્લેટમાં શું મુશ્કેલી પડે છે તેની સ્પષ્ટ પુરાવો રજૂ કર્યો નથી. ટેરેસમાંથી વરસાદી પાણીના નિકાલની પુરતી વ્યવસ્થા નહી હોવાથી બેઝમેન્ટ સુધી પાણી ઉતરતુ હોવા બાબતે વિડીયો રજૂ કરવામાં આવ્યો છે. બિલ્ડરે ફાયબરને શેડ બનાવેલો છે પરંતુ તેમ છતા વિડીયોમાં જોતા પાણી લીકેજ થતું હોવાથી તેનું સમારકામ જરૂરી છે.
કોમન સંડાસ બાથરુમનું પાણી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ઉતરતુ હોવાની સંભાવના રજૂ કરી છે તેનો પુરાવો રજૂ કર્યો નથી. આથી દાદ સ્વિકારી શકાય તેમ નથી. બિલ્ડરે જીડીસીઆરમાં પ્લાન મુજબ પાર્કીંગ આપેલું છે પરંતુ સભ્યોએ એલોટેડ પાર્કીંગમાં મનસ્વી રીતે ફેરફાર કરેલા છે.
સિક્યુટીરી કેબિન પ્લાનમાં બતાવી નથી પરંતુ બ્રોશરમાં એમેનીટીઝમાં સિક્યુટીરી ગાર્ડની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ પ્લાનમાં સિક્યુરીટી કેબિનની મંજૂરી નહી મેળવાઇ હોવાથી રેરાના એડજ્યુડીકેટીંગ ઓફિસર સમક્ષ વળતર માટે દાવો કરી શકે છે.
અંતે રેરા દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે, જો બિલ્ડર દ્વારા રેરામાં મંજૂર કરાવેલા પ્લાનમાં એપાર્ટમેન્ટમાં સોલર સિસ્ટમ નાખવાનો ઉલ્લેખ કર્યો હોય તો તે નાખી આપવું પડે.

