Ahmedabad,તા.18
સૌરાષ્ટ્રમાં આવેલા ગીરના અભયારણ્ય વિસ્તારમાં સિંહોના રેલવે અકસ્માતમાં થઈ રહેલા અકાળે મોત બાબતે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો જાહેર હિતની અરજીની શુક્રવારે થયેલી સુનાવણીમાં રેલ્વે સત્તાવાળાઓ તરફથી સિંહોને બચાવવા અને તેમની સુરક્ષા સંબંધી લેવાયેલા પગલાં અને કામગીરી અંગેનો રિપોર્ટ રજૂ કરાયો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતુ કે, આ કેસમાં છેલ્લી મુદત બાદ એક પણ સિંહનું ટ્રેન અકસ્માતમાં અકાળે મોત નોંધાયું નથી. રેલ્વે વિભાગ દ્વારા પોતાની કામગીરી અંગે રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતુ કે, ગીર અભયારણ્ય જંગલ વિસ્તારમાં જયાંથી રેલ્વે ટ્રેક પસાર થાય છે તેની બાજુમાં ફાઇબર કેબલ નાંખવામાં આવશે.
આ સિવાય આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સની મદદથી ઇન્ટ્રૂઝન ડિવાઇઝ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેનાથી સિંહોની ગતિવિધિ 200 મીટર દૂરથી જાણી શકાશે. ગીર અભયારણ્ય ક્ષેત્રની અંદર અને બહાર આ ડિવાઇસ નાંખવામાં આવશે. આ તમામ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે, જે તા.10મી ફેબુ્રઆરી સુધીમા પૂર્ણ કરી દેવાશે.
આ સિવાય ગીર અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો માટે વિશેષરૂપે અંડર પાસ પણ ઉભા કરાયા છે તો, આ વિસ્તારમાં ઝાડી ઝાંખરા દૂર કરી સિંહોની સુરક્ષા માટે વિશાળ ફેન્સીંગની કાર્યવાહી પણ હાથ ધરાઇ છે.
આ રજૂઆત બાદ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ કેસમાં કોર્ટ સહાયક અને રેલ્વે ઓથોરીટીના જવાબને ધ્યાનમાં લીધા બાદ કેસની વધુ સુનાવણી ફેબુ્રઆરી માસમાં મુકરર કરી હતી.
કેસની વિગતો મુજબ હાઇકોર્ટના અગાઉના નિર્દેશો હોવા છતાં ટ્રેનની અડફેટે વધુ બે સિંહોના મોત અને અન્ય બનાવમાં એક સિંહણ અને બે સિંહ બાળના મૃત્યુની ઘટનાને લઇ ચીફ જસ્ટિસે ફોરેસ્ટ અને રેલ્વે સત્તાવાળાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેઓ પાસે વિસ્તૃત જવાબ માંગવામાં આવ્યો હતો.

