ફાલ્ગુની વસાવડા
બધીજ ચેનલો વરસાદનાં દ્રશ્યો દેખાડે છે, અને સૌરાષ્ટ્રનાં ગિર સોમનાથનાં જિલ્લામાં ખૂબ વરસાદ થયો. આ લખાય છે ત્યારે અહીં ભાવનગરમાં પણ મેઘરાજાએ મહેર કરી! હવામાન વિભાગની આગાહી સાચી પડી! પણ સવાલ એ છે કે, જે રીતે અત્યારે આ ઋતુઓ લોક જીવનને પ્રતાડિત કરી રહી છે એનું શું? વરસાદમાં ભીંજાવું મને બહુ જ ગમે, પરંતુ હું છેલ્લાં પાંચ વર્ષથી વરસાદમાં નીકળી નથી! કારણકે ઋતુઓ પોતાની સૌમ્યતા અને સમ્યકતા ચૂકી રહી છે, અને એટલે એવો ભાવ નથી થતો! ઉપરથી કેટલાય લોકોના ઝૂંપડા તણાઈ ગયા હશે! કેટલાંય સાથે વિચાર્યું પણ ન્હોય એવી અનહોની થઈ હશે! ખેડૂતોની જીંદગીભરની મૂડી દાવ પર લાગી હશે! એવી કરુણા આડે બીજું કંઈ સુઝે પણ નહીં તો આજે આપણે એક જ શહેરની અલગ અલગ પરિસ્થિતિ અને એનો નજરીયો જોઈશું.
આનંદ અને ઉત્સવી એક કોલેજ ટૂરમાં ભેગાં થયાં, બંને વચ્ચે દોસ્તી થઈ! એક દિવસ વાતો વાતોમાં રાત થઈ ગઈ અને વરસાદ તૂટી પડ્યો! આનંદ હવે કેમ જશે એની મૂંઝવણમાં હતો! ઉત્સવીએ કહ્યું અજાણી જગ્યામાં આટલી રાત્રે અને વરસાદમાં જવું હિતાવહ નથી! આનંદ પણ એ જ ઈચ્છતો હતો! ધીરેધીરે રાત ગાઢ થઈ અને ઋતુ ને કારણે બે યુવા દિલ બેકાબુ બન્યા અને જે ન થવું જોઈએ એ થયું! બંને બહું જ સંસ્કારી હતાં અને કુળની મર્યાદા જાણતા હતાં! છતાં, આમ વરસાદ એક કલંક નું કારણ બન્યો..
બેલા અને બાબુનાં નવાં નવાં લગ્ન થયાં અને પોતાનો પતિ એક મિલમાં કામ કરતો હતો, એટલે એ ગામડેથી અહીં શહેરની ચાલીમાં રહેવાં આવી! સાવ નીચાણવાળા વિસ્તારમાં ચાલી હતી એટલે વરસાદનું પાણી તેમજ ગટરનું પાણી પણ આવતું અને બહાર કાદવ કીચડ… બેલા ધીરેધીરે સેટ થવા કોશિશ કરતી હતી આજે વરસાદ હતો અને બાબુને આ વખતે ઘરના પકોડા ખાવાનું મન થયું અને એણે અન્ય પતિઓની જેમ બેલાને પકોડા બનાવવા કહ્યું! ધાબુ નબળું થઈ ગયું હોય ઓરડીમાં ચારે બાજુથી પાણી ટપકતું હતું એટલે બેલા એ સાફ કરીને થાકી ગઈ હતી, પણ છતાં પતિની ઈચ્છાને માન આપીને પકોડાની તૈયારી કરી! ખુલ્લા વાળને બાંધી સાડી છેડો ખોસીને એ રસોડામાં પ્રવેશી! બાબુ પર રોમેન્સ નું ભૂત સવાર થયું હતું અને એણે ચણાનો લોટ લેવાં સહેજ ઉંચી થયેલી બેલાની સાડી ખેંચી અને… લજ્જિત થતી થતી બેલા બાબુ નો હાથ પાછો ઠેલતી રહી અને એ એકાદ પિક્ચરનું ગીત ગણગણતો એને પલંગ પાસે લઈ ગયો, ત્યાં જ ધાબા માંથી એક મોટું ગાબડું પડ્યું, અને ઓરડી સ્વીમીંગ પુલ બની ગઈ, અને વરસાદ રહ્યાં પછી રાતના બાર સુધી ઓરડી સાફ કરવી પડી! અને આમ બાબુ બેલા માટે આ વરસાદ વેરી બન્યો..
કેશવ પોતાના ફ્લેટની બાલ્કની માં ઉભો હતો અને એકધારા વરસતા વરસાદને જોઈને ગમગીન થઈ ગયો! ગમગીની દૂર કરવા સિગરેટ પર સિગરેટ જલાવી રહ્યો હતો અને પણ સિગરેટનો નશો એનાં જલતા દિલને ઠારી શક્યો નહીં! એને યાદ આવી ગઈ એ વરસાદી રાત જ્યારે એ પોતાની માસીને ગામ ગયો હતો! અને કસ્તુરી નું સૌંદર્ય ગામડાં નું કુદરતી વાતાવરણ! નિખાલસ માણસો અને એક ભૂલ થઈ ગઈ કે જેને તે આજ સુધી ભૂલી શકતો નથી! અને એમાં પણ આ ગાંડો વરસાદ. શાલુ ની મોટી બહેનનો દિકરો કેશવ વેકેશનમાં આવ્યો, એ ફોટોગ્રાફર હતો, અને અહીં કસ્તુરી સાથે તેની મુલાકાત થઈ! કસ્તુરી પોતાની ઈચ્છાથી માસીને ઘરે કામ કરવા આવતી, અને એ બહાને શાલુ માસી સાથે વધુ રહીને વેકેશનમાં પણ ભણવાનું થતું! આવી જ એક તોફાની વેળાએ કેશવ ફોટોગ્રાફી કરવામાં ભૂલો પડ્યો! અંધારું ધીરેધીરે ગાઢ થતું જતું હતું, એક બાજુથી ટેકરીઓમાંથી નીકળતાં ઝરણાઓ એ ધોધ રુપે પડતા સુંદર કુદરતી દ્રશ્યો કેમેરામાં કેદ થયા! જંગલી જાનવરો પણ સલામતી માટે ગુફાઓમાં બેસી ગયા વગેરે ફોટોગ્રાફ પણ લીધાં! શાલુ ને ચિંતા થઈ! કસ્તુરી ઘરે જાઉં એમ કરીને કેશવ ને શોધવા ટેકરી પર આવી, અને શોધી પણ લીધો! વરસાદમાં ભીંજાયેલી કસ્તુરી એને ક્યાં માર્ગે જવું એ દોરતી હતી, અને વારંવાર એકદમ નજીક આવી જતાં એના માદક અંગો જોઈ કેશવ ભાન ભૂલ્યો અને કસ્તુરી ઈન્કાર કરતી રહી અને…. ઘરે આવ્યા પછી બહુ પસ્તાવો થયો અને નક્કી કર્યું કે સવારે એનાં ઘરે જઈને માંફી માંગી લગ્નની વાત કરશે! પણ પોતે એનાં ઘરે જાય એ પહેલાં જ કસ્તુરી ધાબેથી પડી ગઈ! કે કૂદી ગઈ ! એ રહસ્ય એની સાથે ગયું! પણ પોતે જાણતો હતો કે પોતાની ભૂલને કારણે એક સોળ વર્ષની યુવતી એ.. બસ ત્યારથી આ વરસાદ એનો દુશ્મન હોય એમ..
વરસાદ શરૂ થયો સુશીલાને એમ કે હમણાં રહી જશે! પણ આ તો રોકાવાનું નામ જ લેતો ન્હોતો!; એને ચિંતા ફળિયામાં રાખેલા છાણાં અને લાકડાં પલળી જશે એની હતી! ઉપરથી સુનીલ પણ ઘરમાં ન્હોતો! ગયાં વર્ષે આવાં વરસાદમાં જ ગામના ચેકડેમમાં બે છોકરાઓ ડુબી ગયા હતાં! સુનીલ ને પણ આવાં સાહસો કરવાની ટેવ હતી! હે ભગવાન સુનીલનુ રક્ષણ કરજે! સુનીલ મારાં જીવનનો આધાર છે! એને કંઈક થઈ જશે તો મુજ વિધવા નું કોણ ધ્યાન રાખશે ? છાણાં લાકડાં પલળી જશે તો કાલે ચૂલો કેમ સળગશે? એણે હિમ્મત કરીને ફળિયામાંથી લાકડા અને છાણાં સારવાનુ શરૂ કર્યું! એક કલાકને અંતે એ કામ પુરુ થયું! વળી નવરી થતાં સુનીલ ની ચિંતા થઈ ત્યાં તો ડેલી ખખડી અને ભીનો થયેલો સુનીલ આવ્યો! એને સાજો સમો જોઈ એને ધરપત થઈ! મા આજે તો ચેકડેમ છલકાઈ ગયો, અને….ત્યાં જ સુશીલા એ એક તમાચો એનાં ગાલ પર મારી કહ્યું ખબરદાર એ બાજું ગયો છે તો! તને કંઈ થઈ જશે તો ? મા મારાં મિત્રોએ મને બહુ આગ્રહ કર્યો પણ મેં એને આ કારણે જ ના પાડી. મા આજે ચા સાથે ભજીયા બનાવી દે ને! છાણાં લાકડાં પલળ્યા ન્હોતાં એટલે, અને સમયસરની તાકીદ ને કારણે મા દિકરાએ વરસાદનો આનંદ લેતાં લેતાં ભજીયા ખાધાં..
મિત્રો આમ એક જ ઋતુ, એક જ શહેર અને છતાં બધાને અલગ અલગ અનુભવ થયો! કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓ એ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, અને એમાં આપણી આંતરિક પ્રકૃતિની ઋતુ પણ અસંતુલિત હોયને આપણે એનો આનંદ માણી શકતા નથી! મોટેભાગે આવું થાય ત્યારે, ઘરમાં પાણી ભરાઈ જશે, છત ટપકશે, ધાબામાં ગાબડું પડશે, કે પછી બળતણ પલળી જશે, એવાં ભાવ મુખ્ય રહે છે. એક ડર આપણી આસપાસ ઘેરાયેલો રહે છે! એમાં પણ ઉંમર વધતાં ઉન્માદ ઓસરી જતો હોય અને શરીરની અવસ્થા પણ વિપરીત હોય છે! પણ યુવાનોને ખાસ ચેતવણી કે જીવનભર નું કોઈ કલંક કે શૂળ ઊભું થાય નહીં એનું ધ્યાન રાખવું, કારણ કે આવાં ભાવ સોડા બોટલનાં ઉભરા જેવા હોય!આપણી મર્યાદાનું જતન કરીને પાછળથી પસ્તાવું પડે નહીં એવું જીવવું!
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

