Vadodara,
વડોદરા શહેરમાં પીકઅવર્સ દરમ્યાન વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા કેટલાક સર્કલો નાના કરાયા છતાં પરિસ્થિતિ યથાવત છે. હાઇવે તરફથી શહેરમાં પ્રવેશવાના જંકશનો ખાતે પણ ભારે ટ્રાફિક જામ થઇ રહ્યો છે. કોર્પોરેશન અને પોલીસ અવાર નવાર ટ્રાફિક વ્યવસ્થામાં સુધાર હેતુ દબાણો દૂર કરવાની ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરે છે પરંતુ ગણતરીના કલાકો બાદ પરિસ્થિતિ જૈસે થે જોવા મળે છે.
વડોદરા શહેરમાં સવારે અને સાંજે ગણતરીના સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે નાના-મોટા અકસ્માતોની માથાકૂટો જોવા મળી રહી છે. વાહનચાલકોના કિંમતી સમય અને ઇંધણનો વેડફાટ થઇ રહ્યો છે. આજે રસ્તે રખડતા પશુઓ, મુખ્ય માર્ગ પર લારી-ગલ્લાના દબાણ , આડેધડ દોડતા વાહનો રાહદારીઓના જીવનું જોખમ પણ ઉભું કરી રહ્યા છે. શહેરના અટલબ્રીજ- પંડ્યા બ્રિજ, અક્ષરચોક , મુજમહુડા , એરપોર્ટ, ચાર દરવાજા વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા થાય છે. પ્રવેશબંધી સમયે પણ ભારદારી વાહનો દોડી રહ્યા છે. ટ્રાફિક માટે મુખ્ય એક કારણ આ પણ છે કે, ચાર રસ્તાઓ પર દબાણો સાથે વાહનચાલકોને ડાબી તરફ વળવા માટે પણ રસ્તા ખુલ્લા મળી રહ્યા નથી. કેટલાક ટ્રાફિક જંકશનોમાં સિગ્નલમાં ટાઈમિંગની પણ વિસંગતા જોવા મળી છે. સમસ્યાના નિરાકરણના સ્થાને સ્માર્ટ અથવા AI આધારિત ટ્રાફિક સિગ્નલની માત્ર ચર્ચાઓ છે. રસ્તા ઉપર આડેધડ દોડતા વાહનો વચ્ચે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો જીવના જોખમે ફરજ નીભવતા નજરે ચડે છે. કોઈ એક સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહનો આવતા હોય તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુનો રોડ વધુ સમય માટે શરૂ રખાય તેવું આયોજન થઇ શક્યું નથી. મલ્ટી લેવલ પાર્કિંગના આયોજનોના સ્થાને રસ્તા ઉપર જ ફૂટપાથ પહોળા કરી પાર્કિંગ ફાળવી દેતા સમસ્યા વધુ વકરી છે. અંડરપાસમાં વરસાદી પાણી ભરાય ત્યારે બૂમ બેરિયર સેન્સર ,સીસીટીવી , પાણી ઉલેચવા પંપ જેવા આયોજન તંત્ર કરી શક્યું નથી.
સોશિયલ મીડિયામાં તંત્રની કામગીરી સામે લોકો બળાપો ઠાલવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, જ્યાં જરૂર નથી ત્યાં પણ સિગ્નલ લગાવ્યા છે. રસ્તા પર આડેધડ પાર્કિંગ અને દબાણો નહીં હટે ત્યાં સુધી પરિસ્થિતિ યથાવત રહેશે. સર્કલો ખાતે વાહનચાલકો જમણી તરફ સર્કલ ફેરવ્યા વિના નીકળતા અકસ્માતો સર્જાય છે. શહેરના રસ્તાઓ ઉપર ખોદકામ પૂર્ણ થતું જ નથી. રીક્ષા ચાલકો ગમે ત્યાં સ્ટેન્ડ બનાવી નાખે છે. તંત્રની કામગીરી એટલે “ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત” ચાર રસ્તાઓ ખાતે જાહેરાતના બેનરો હટવા જોઈએ
આ અંગે ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલએ જણાવ્યું કે, પિકઅવર્સ દરમ્યાન ટ્રાફિક ભારણની રજૂઆતો ધ્યાને રાખી જરૂરિયાત સ્થળે પોલીસ ફોર્સ વધારવામાં આવી રહી છે. જંકશનોની વિઝીટ બાદ તારણ કાઢી સિગ્નલોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. લોકોને ડાબી તરફનો માર્ગ ખુલ્લો મળી રહે તે માટે સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની કામગીરી ઉપર ભાર મુકાશે. દબાણ દૂર કરવા પોલીસ પાલિકાને સાથે રાખી કામગીરી સતત કરી રહ્યું છે પરંતુ, ફરીદબાણો થઈ જતા ટ્રાફિકમાં અડચણ ઊભી થઈ રહી છે. લોકો ખરીદી સમયે માર્ગ ઉપર વાહનો નડતરરૂપ ન બને તેવા પાર્ક કરે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનું કામ પોલીસ એકલાનું નથી. પોલીસ 10 ટકાનો સુધારો કરી શકે પણ 90 ટકા તો વડોદરાવાસીઓએ સહકાર આપવો પડશે. લોકોને અપીલ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો.કોર્પોરેશન દ્વારા વર્ષ 2018 દરમ્યાન સમગ્ર સભામાં કાયદો પસાર કરી લારી ગલ્લાવાળાઓને 11,000થી વધારે લાઇસન્સ ઇશ્યૂ કર્યા હતા . પરંતુ હોકિંગ ઝોન બનાવ્યા નહી. શાસકો સ્ટ્રીટ વેન્ડર એક્ટ નો અમલ કેમ કરતા નથી. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 લાગુ કરવાની માંગ સાથે જ્યાં સુધી તે લાગુ ન થાય ત્યાં સુધી એક પણ લારી દૂર ન કરવી જોઈએ, જો તે ટ્રાફિકને અવરોધતી હોય તો, સુપ્રીમ કોર્ટના નીતિ માર્ગદર્શિકા મુજબ તેને 200 મીટરના અંતરે ખસેડવામાં આવે. આ અંગે કોંગી નેતાએ લારી-ગલ્લા એસોસિએશન સંઘ અને જાગો વડોદરાના નેજા હેઠળ મેયરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.