New Delhi,તા.28
પહેલગામ હુમલાના પગલે પાકિસ્તાન પર ડિપ્લોમેટીક સ્ટ્રાઈક કર્યા બાદ હવે ભારતે ડિઝીટલ સ્ટ્રાઈક પણ કરી છે અને પાકની ડોન ન્યુઝ, જીઓ ન્યુઝ સહિતની યુટયુબ ચેનલો પર ભારતમાં પ્રતિબંધ મુકી દીધો છે. કુલ 16 પાકિસ્તાની યુટયુબ ચેનલનું પ્રસારણ તાત્કાલિક અસરથી ભારતમાં રોકી દેવાયુ છે.
ભારતે આ માટે યુટયુબ પ્લેટફોર્મને આ ચેનલોનું ભારતમાં પ્રસારણ ન થાય તે જોવા જણાવ્યુ છે. આ ચેનલો સતત ભારત વિરોધી ઝેર ઓકી રહી હોવાનું બહાર આવ્યા બાદ તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. જેમાં કેટલીક ક્રિકેટ સહિતની ચેનલોનો પણ સમાવેશ થાય છે.
જીઓ તથા ડોન ન્યુઝ પાકિસ્તાનના અખબારોની મહત્વપૂર્ણ ચેનલ છે અને તે અખબારો દ્વારા પણ ભારત વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ કેટલીક ભારતીય ચેનલો પાકિસ્તાનના પત્રકારો અને રાજનેતાઓને પણ ડિબેટમાં બોલાવીને તેમને પાકિસ્તાનનું ઝેર ઓકવાનો મોકો આપે છે તેને પણ હવે તાકીદ કરાઈ છે.
ગૃહમંત્રાલયે આ ચેનલો દ્વારા ભારતીય સેના અને સુરક્ષાદળો ઉપરાંત સાંપ્રદાયિક અને ભ્રામક સમાચાર ફેલાવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેથી તેને તાત્કાલીક રીતે ભારતમાં પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. જે રીતે યુટયુબ પર ભારતીય યુટયુબર પણ ભારતીય સૈન્યની હિલચાલ સહિતના મુદે માહિતી અને વિડીયો સહિતના પ્રસારણો કરી રહ્યા હતા.
તેને પણ પ્રતિબંધીત કરી દેવાયા છે અને મીડીયા માટે પણ ગાઈડલાઈન જારી કરી છે જેમાં સતાવાર સિવાયના કોઈપણ પ્રકારના સૈન્યની હિલચાલ કે અન્ય કોઈ કાર્યવાહી પ્રસિદ્ધ નહી કરવા પણ તાકીદ કરવામાં આવી છે.