Washington, તા. 8
અમેરિકાની ફેડરલ કોર્ટે જેલમાં બંધ ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને તેનાં મુખ્ય સાથી સતિન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બરાડ સામે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો આદેશ આપવાનો અને કાવતં ઘડવાનો સત્તાવાર ગુનાહિત આરોપ મૂક્યો છે.
અમેરિકી તપાસ એજન્સી FBI દ્વારા ચલાવવામાં આવેલાં `ઓપરેશન હાર્ડ બોલ’ નામનાં એક મોટા આંતરરાષ્ટ્રીય ઓપરેશન બાદ આ સનસનાટીપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. ભારત સાથે જોડાયેલા આ સંગઠિત ગુનાહિત જૂથોના નેટવર્કને તોડવા માટે અમેરિકા, કેનેડા અને યુરોપની એજન્સીઓએ સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી છે.
આ વ્યાપક ઓપરેશન હેઠળ અમેરિકાનાં ન્યાય વિભાગ અને ગુપ્તચર એજન્સીઓએ કેલિફોર્નિયા, જોર્જિયા, કેનેડા અને સ્પેન સહિતનાં વિવિધ દેશોમાં 50 થી વધુ સ્થળોએ સર્ચ વોરંટ સાથે દરોડા પાડ્યાં હતાં.
આ સમગ્ર આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 24 જેટલાં ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 10 જેટલા આરોપીઓ હજુ પણ ફરાર છે. આ મામલે ત્રણ અલગ-અલગ ફેડરલ કેસો દાખલ કરીને કુલ 37 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.
આ સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષા એજન્સીઓએ આશરે 1,000 કિલોગ્રામ કોકેઈન અને હેરોઈનનો જથ્થો, હજારો ડોલરની રોકડ અને ડઝનબંધ અત્યાધુનિક હથિયારો જપ્ત કર્યા છે.
બિશ્નોઇ ગેંગ ઉપરાંત, પ્રોસિક્યુટર્સે ભારતમાં હેડક્વાર્ટર ધરાવતાં અને વિશ્વનાં 6 થી વધુ દેશોમાં નેટવર્ક ફેલાવીને બેઠેલાં `જગ્ગુ ભગવાનપુરિયા ઓર્ગેનાઈઝેશન’ અને કેનેડા સ્થિત રવિન્દર સિંઘ ઢાંઢા (જે `જોન વિક’ તરીકે પણ ઓળખાય છે) ના આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગ નેટવર્ક વિરુદ્ધ પણ કડક કાનૂની આક્ષેપો દાખલ કર્યા છે. ઢાંઢાનું નેટવર્ક અમેરિકા, કેનેડા અને મેક્સિકો વચ્ચે કરોડોનાં ડ્રગ્સની હેરાફેરી કરતું હતું.
ગોલ્ડી બરાડ પર રૂા.48 લાખનું ઇનામ જાહેર
અમેરિકાની ગુપ્તચર એજન્સી FBI દ્વારા લોરેન્સ બિશ્નોઇ ગેંગના મુખ્ય સાથી સતિન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બરાડ પર 50,000 અમેરિકી ડોલર (આશરે રૂા.48 લાખ) ના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. ગોલ્ડી બરાડ ધરપકડ કરવામાં મદદ કરનારી સચોટ માહિતી આપનાર વ્યક્તિને આ ઇનામ આપવામાં આવશે.
FBI ના જણાવ્યાં મુજબ, 1 જુલાઈના રોજ લોસ એન્જલસની અદાલતે ગોલ્ડી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની હેરાફેરી, ખંડણી અને ગુનાહિત કાવતરાં ઘડવાના આરોપસર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે તે ઉત્તર અમેરિકામાં આ ગેંગના લીડર તરીકે સક્રિય છે.

