New Delhi, તા. 9
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને તેમનાં 54મા જન્મદિવસે ક્રિકેટ જગતનું સર્વોચ્ચ સન્માન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા તેમને પ્રતિષ્ઠિત ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ કરવામાં આવ્યાં છે.
આ ખાસ સન્માન મેળવનારા તેઓ ભારતનાં 10મા પુરુષ ક્રિકેટર અને એકંદર 12મા ભારતીય ખેલાડી બન્યાં છે. આગામી શનિવાર, 11 જુલાઈના રોજ આઈસીસીની વાર્ષિક કોન્ફરન્સ બાદ યોજાનારા એક ભવ્ય સમારોહમાં તેમને સત્તાવાર રીતે આ સન્માન એનાયત કરવામાં આવશે.
ગાંગુલી હવે સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ, કપિલ દેવ, અનિલ કુંબલે અને એમ.એસ. ધોની જેવા ભારતનાં મહાન ક્રિકેટરોના વિશેષ ક્લબમાં સામેલ થઈ ગયા છે.
આ સન્માન મળ્યાં બાદ ‘દાદા’ તરીકે જાણીતાં સૌરવ ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આઈસીસી અને આઈસીસીના ચેરમેન જય શાહનો આભાર માનતાં લખ્યું કે, “આ મારા માટે ખૂબ જ મોટું સન્માન છે. ક્રિકેટનાં આટલાં મોટા દિગ્ગજોના નામો સાથે જોડાવા બદલ હું ગર્વ અનુભવું છું.”
