Los Angeles, તા.10
ભારતીય સમય અનુસાર આજે રાત્રે 12ઃ30 વાગ્યે લોસ એન્જલસ ખાતે સ્પેન અને બેલ્જિયમ વચ્ચે સેમીફાઇનલમાં પહોંચવા માટે હાઈ-વોલ્ટેજ ક્વાર્ટર ફાઇનલ જંગ જામશે. ટૂર્નામેન્ટમાં હજુ સુધી એકપણ ગોલ ન ખાનારી અને ખિતાબની પ્રબળ દાવેદાર સ્પેનિશ ટીમ સામે બેલ્જિયમનું ધારદાર આક્રમણ ટકરાશે.
સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોને વિશ્વ કપમાં છેલ્લાં 609 મિનિટથી કોઈ ગોલ થવા દીધો નથી. જો સ્પેન જીતશે, તો તે ફૂટબોલ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી અજેય રહેવાનો નવો રેકોર્ડ (36 મેચ) બનાવશે.
બીજી તરફ, વિશ્વ કપમાં 36 વર્ષ બાદ સામસામે આવનારી `રેડ ડેવિલ્સ’ બેલ્જિયમની ટીમ પણ છેલ્લાં 18 મેચોથી અજેય છે અને રોમેલુ લુકાકુના દમ પર આઠ વર્ષ બાદ ફરી સેમીફાઇનલમાં પહોંચવા પ્રયાસ કરશે, જોકે મિડફિલ્ડર અમાદૂ ઓનાનાની ઈજાથી તેમને ઝટકો લાગ્યો છે.
બંને ટીમો વચ્ચેનાં પાછલા મુકાબલામાં સ્પેનનું પ્રદર્શન સારું રહ્યું છે. છેલ્લાં 22 આમને-સામને મેચોમાંથી સ્પેને 12 અને બેલ્જિયમે 5 જીત્યા છે, જ્યારે 5 મેચ ડ્રો રહ્યા છે. વિશ્વ કપના ઇતિહાસમાં બંને ટીમ બે વાર સામસામે આવી છે, જેમાં 1986માં પેનલ્ટી શૂટઆઉટમાં બેલ્જિયમ અને 1990માં સ્પેન 2-1 થી જીત્યું હતું.
બંને ટીમો છેલ્લે 2016માં મૈત્રીપૂર્ણ મેચમાં ટકરાઈ હતી, જેમાં સ્પેન 2-0 થી વિજેતા બન્યું હતું. હવે, ફીફા રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી સ્પેનની ટીમ અને આઠમા ક્રમની બેલ્જિયમની ટીમ રાત્રે 12ઃ30 વાગ્યે પોતપોતાની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઇતિહાસ રચવા ઉતરશે.

