New Delhi,તા.10
સુપ્રીમકોર્ટે એક મહત્વના ચુકાદામાં સગીર બાળાઓ સાથેના દુષ્કર્મો સહિતના જાતીય સતામણીમાં ઉગામાતા પ્રોટકશન ઓફ ચીલ્ડ્રન ફ્રોમ સેકસયુઅલ ઓફેન્સ-પોકસોમાં પીડીતા સગીરનું નિવેદન જ પુરતુ હોવાનું જાહેર કરીને તેમાં અન્ય કોઈ તપાસ કે ઈન્કવાયરીને બદલે સીધો કેસ દાખલ કરી દેવાનો આદેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠે જણાવ્યું હતું કે, જયારે સગીરા પોતે તેની સાથે થયેલા કૃત્ય અંગે કહેતી હોય તો તે અપરાધ બન્યો છે તે નિશ્ચિત થઈ જવું જોઈએ અને તેમાં કોઈ વધારે તપાસ કે તેવી આવશ્યકતા રહેતી નથી.
ખાસ કરીને જે સગીરા વાતચીત કરવા કે માહિતી આપવા સક્ષમ હોય તેમાં આ પ્રકારે તાત્કાલીક કેસ દાખલ કરવો પડશે. 2022માં આ પ્રકારના એક કેસમાં ગુવાહાટી હાઈકોર્ટની ઈટાનગર બેન્ચે પોકસો હેઠળના ચાર આરોપીઓમાં એક સિવાય તમામને નિર્દોષ છોડવા આપેલા આદેશને પડકારતી રીટ અરજી સમયે આ ચુકાદો આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, જો એક વખત સગીરા પોતાના પર થયેલા અત્યાચાર અંગે માહિતી આપે અને તેમાં તપાસની કવાયત કરવામાં આવે તો પુરાવાનો નાશ થવાનો અને આરોપીઓને સમય મળી જવાની શકયતા છે અને અંતે તેઓ નિર્દોષ છુટી જાય છે.
સુપ્રીમકોર્ટે આ અંગે પોકસો એકટની કલમ 19 અને 27ની પેટાકલમ-6નો હવાલો આપ્યો હતો. અરુણાચલ પ્રદેશમાં એક શાળામાં બનેલી ઘટનામાં ધો.8ની સગીરા પર આ પ્રકારે દુષ્કર્મ થયુ હતું. શાળાએ તેમાં સીધી ફરિયાદ કરવાને બદલે તપાસ કમીટી રચી હતી.
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, આ પ્રકારે શાળાએ પોતાની કોઈ તપાસ કરવાની જરૂર નથી જયારે ખુદ સગીરા પોતે અપરાધ અંગે માહિતી આપતી હોય તો પછી તેમાં સીધી પોલીસને જાણ અને કાનુની કાર્યવાહી કરવાનો રહે છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ કાયદાનો આશય એ અપરાધીમાં ભય સર્જવાનો છે.

