Jaipur, તા. 10
ઉજ્જૈનમાં `મંદિર બોન્ડ’ ની શરૂઆત થયાં બાદ હવે દેશમાં ટૂરિઝમ બોન્ડ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આની પહેલી શરૂઆત રાજસ્થાનનાં નાથદ્વારાથી થઈ શકે છે. આ સાથે જ પુષ્કરને પણ આ મોડેલમાં સામેલ કરવા પર કામ ચાલી રહ્યું છે.
સરકારી નાણાકીય સંસ્થા હુડકો (આવાસ અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ) રાજસ્થાન સરકાર સાથે મળીને આ બંને ધાર્મિક-પર્યટન સ્થળો માટે યોજના તૈયાર કરી રહી છે.
હુડકોના ચેરમેન સંજય કુલશ્રેષ્ઠના જણાવ્યાં અનુસાર, ટૂરિઝમ બોન્ડ દ્વારા પર્યટન, ધાર્મિક સ્થળો, હોટલ, હેરિટેજ સંરક્ષણ જેવી પરિયોજનાઓ માટે રોકાણ એકત્ર કરવામાં આવશે.
શું છે ટૂરિઝમ બોન્ડ?
* રોકાણકારો પાસેથી બોન્ડના માધ્યમથી નાણાં એકત્ર કરવામાં આવશે.
* આ રકમનો ઉપયોગ પર્યટન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે થશે.
* રોકાણકારોને નક્કી કરેલી મુદત પૂરી થયાં બાદ વ્યાજ સહિત વળતર મળશે. પરિયોજનાઓથી આવક વધશે.
શું છે ટેમ્પલ બોન્ડ?
ટેમ્પલ બોન્ડ એવા `ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ’ (દેવાના સાધનો) હોય છે, જેના દ્વારા સરકાર, મંદિર ટ્રસ્ટ કે કોઈ અધિકૃત સંસ્થા વિકાસ કાર્યો માટે બજારમાંથી નાણાં એકત્ર કરી શકે છે. મંદિર બોન્ડ સામાન્ય દાન કરતાં અલગ હોય છે.
આમાં રોકાણકાર એક નિશ્ચિત મુદત માટે નાણાં રોકે છે અને બદલામાં તેમને વ્યાજ મળે છે. મેચ્યોરિટી (મુદત પૂરી થવા) પર મુદલ રકમ પણ પાછી આપવામાં આવે છે. આનાથી એકત્ર કરાયેલી રકમ મંદિર પરિસરોના સંરક્ષણ, રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, યાત્રી સુવિધાઓ અને પર્યટન સાથે જોડાયેલી પાયાની સુવિધાઓના વિકાસ પાછળ ખર્ચ કરી શકાય છે.
બોન્ડથી સુધરશે ધાર્મિક શહેરો
હુડકોનું અનુમાન છે કે અત્યાર સુધીમાં આશરે 20 નગર નિગમો બોન્ડ જાહેર કરી ચૂક્યાં છે, જ્યારે અન્ય 50 થી 70 નગર નિગમો પણ ભવિષ્યમાં મૂડી બજારમાંથી ફંડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યાં છે. કંપની આ વર્ષે ‘સોશિયલ ઇમ્પેક્ટ બોન્ડ’ લાવવાની યોજના પણ બનાવી રહી છે, જેથી સામાજિક વિકાસની પરિયોજનાઓ માટે વિદેશી રોકાણને આકર્ષિત કરી શકાય.
`અર્બન ઇન્વેસ્ટ વિન્ડો’ શરૂ
હુડકોનું કહેવું છે કે નગર નિગમોએ પહેલાં પોતાની પ્રોપર્ટીનું ડિજિટલાઇઝેશન, યોગ્ય ઓડિટ અને એવી પરિયોજનાઓની ઓળખ કરવી પડશે જેનાથી નિયમિત આવક થઈ શકે. આ પ્રક્રિયા પૂરી થયા પછી જ તેઓ સરળતાથી બોન્ડ જાહેર કરી શકશે. હુડકોએ આ માટે `અર્બન ઇન્વેસ્ટ વિન્ડો’ શરૂ કરી છે.
આ અંતર્ગત નગર નિગમોને પ્રોજેક્ટ તૈયાર કરવા, વિગતવાર અહેવાલ બનાવવા, નાણાકીય માળખું નક્કી કરવા, બોન્ડ જાહેર કરવા અને રોકાણકારો સુધી પહોંચવામાં મદદ કરવામાં આવશે. કંપની રોડ શોનું આયોજન કરીને રોકાણકારોને પણ આકર્ષિત કરશે.
શું થશે ફાયદો થશે?
નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, જો આ `નાથદ્વારા મોડેલ’ સફળ રહેશે તો રાજસ્થાનનાં અન્ય પ્રમુખ ધાર્મિક અને પર્યટન શહેરો જેવા કે ખાટૂશ્યામજી, સાલાસર, અજમેર, માઉન્ટ આબુ અને ઉદયપુરમાં પણ આ પ્રકારનાં બોન્ડ જાહેર કરવાનો રસ્તો ખૂલી શકે છે. આનાથી પર્યટન સુવિધાઓમાં સુધારો થશે, સ્થાનિક સ્તરે રોજગારી વધશે અને નગર નિગમોને વિકાસ કાર્યો માટે નાણાં મેળવવાનો નવો નાણાકીય સ્ત્રોત મળશે.

