તેલઅવીવ તા.10
અમેરિકા અને ઈરાન વચ્ચે સમજુતી તુટી પડયા બાદ અને બંને દેશો ફરી એક વખત એકબીજા પર હુમલા કરી રહ્યા છે તે વચ્ચે હવે ઈઝરાયેલ પણ એકશનમાં આવી જશે તેવા સંકેત છે અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ જાહેર કર્યુ હતું કે યુદ્ધ હજુ ખત્મ થયુ નથી.
આમ હવે આગામી દિવસોમાં ઈરાન પરના હુમલામાં ઈઝરાયેલ પણ સામેલ થઈ જશે તેવા સંકેત છે અને લેબનાનમાં પણ હીઝબુલ્લા સામે ઈઝરાયેલે અટકાવેલી સૈન્ય કાર્યવાહી ફરી શરૂ થશે. નેતાન્યાહુનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે કે જયારે અમેરિકાએ પણ જાહેર કર્યુ છે કે ઈરાન જે રીતે પાડોશી બહેરીન અને કુવૈત તથા કતાર પર હુમલા કરી રહ્યું છે તેની કિંમત તેણે ચુકવવી પડશે.
નેતાન્યાહુએ જણાવ્યું કે ઈઝરાયેલ સામે સુરક્ષાના નવા પડકાર છે અને અમે તેને ઉપાડી લેવા તૈયાર છીએ. આમ આગામી દિવસોમાં ઈઝરાયેલ હવે ઈરાનના અણુમથકોને પણ નિશાન બનાવે તો આશ્ચર્ય થશે નહી. અમેરિકા અને ઈઝરાયેલ અગાઉથી જ ઈરાન અણુશસ્ત્ર બનાવી શકશે નહી તેવું જાહેર કર્યુ હતું અને બીજી તરફ ઈરાનમાં પણ સતાપલ્ટાનો ઈરાદો હતો.
તે સમયે ઈઝરાયેલી મીડીયાએ વડાપ્રધાન નેતાન્યાહુનો એક સિક્રેટ પ્લાન જાહેર કર્યો છે જે મુજબ ઈઝરાયેલ હવે ઈરાન પર કોઈ નાનો મોટો નહી પણ એકી સાથે ત્રણ મોરચા પર ભયાનક હુમલો કરવાની તૈયારી છે.
જેમાં ઈઝરાયેલના એફ-35 લડાયક ફાઈટર જેટ ઈરાનના સૌથી સુરક્ષિત અને જમીનની અંદર બનેલા નાટંજ તથા બુશહરના પરમાણુ સેન્ટ્રીફયુઝ પર બંકર બસ્ટર બોમ્બથી હુમલા કરશે જેથી અન્ડરગ્રાઉન્ડ અણુ સુવિધા ખતમ થશે.
ઈઝરાયેલની સેન્ટ્રલ મીલીટ્રી એ આ માટેનું આયોજન તૈયાર કર્યુ છે. બીજી તરફ ઈરાનની આર્થિક કમ્મર તોડવા તેના તેલમથકોને નિશાન બનાવશે. હવે અમેરિકાએ જયારે ફરી એક વખત યુદ્ધ શરુ કર્યુ છે તો તેનો ઈરાદો ઈરાનમાં સતાપલ્ટાનો પણ છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે હાલના હુમલા ફકત સમયની બરબાદી છે પરંતુ ઈરાનને હવે સૌથી મોટા હુમલાની રાહ જોવાની છે. આમ મધ્ય પુર્વમાં જબરા ભડકાની શકયતા છે.

