ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રૂટ પર ભક્તિનગર પીઆઈ જે ડી પરમાર અને પીએસઆઈ એસ એચ ગોહિલની ટીમોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Rajkot,તા.11
રથયાત્રા પૂર્વે ભક્તિનગર પોલીસે ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આગામી તારીખ 16 ના અષાઢી બીજ પર્વ પર શહેરમાં રથયાત્રા નીકળનાર હોય આ રથયાત્રા દરમિયાન પોલીસનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે ગઈકાલે શહેરના જંગલેશ્વર સહિતના સંવેદનશીલ વિસ્તાર અને રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
આગામી તા.16 ના અષાઢી બીજ પર્વ પર શ્રી જગન્નાથ મંદિર કૈલાશધામ આશ્રમથી રથયાત્રા નીકળનાર હોય જે રથયાત્રા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નીકળનાર છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના આદેશના પગલે રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
રથયાત્રા સમયે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે આગોતરી તૈયારીના ભાગરૂપે અને તકેદારીના પગલારૂપે ભક્તિનગર પોલીસ મથકના પી.આઈ જે.ડી. પરમારની રાહબરી હેઠળ ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે શહેરના જંગલેશ્વર સહિતના સંવેદનશીલ વિસ્તાર અને રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકરનગર ભવનથી, સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક સહિતના વિસ્તારોમાંથી રથયાત્રા પસાર થનાર હોય જેથી આ રોડ પર પોલીસે ખાસ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

