એસએમસી ટીમે દરોડો પાડી પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટીનો ગેરકાયદે વેંપલાનો પર્દાફાશ કર્યો
Bhavnagar,તા.11
ભાવનગરના બુધેલ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂ. 4.30 કરોડની કિંમતના 4.306 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબ્જે કર્યો હતો.
સ્ટેટ મનીટરિંગ સેલના દરોડાની પ્રાપ્ત વિગત અનુસાર પીઆઇ આર કે કરમટાની ટીમે ભાવનગરના બુધેલ ગામે બ્લુ સ્કાય સોસાયટી નજીક આવેલ ખાર વિસ્તારની પડતર જગ્યામાં દરોડો પાડી ઇમરાન રહીમભાઈ પરમાર (રહે. આખલોલ, ભાવનગર મૂળ રહે. લીમડા, ઉમરાળા ભાવનગર), સાજીદખાન અયુબખાન પઠાણ (રહે રુવાપુરી રોડ, કુરેશી મોટર ગેરેજ પાસે, ભાવનગર) ફૈઝાન તાલીબભાઈ મધરા (રહે ઇન્દિરાનગર, બુધેલ ગામ, ભાવનગર), સબીર ફારૂકભાઈ સૈયદ (રહે. ઇન્દિરાનગર, બુધેલ ગામ, ભાવનગર)ના કબ્જામાંથી શંકાસ્પદ એમ્બરગ્રીસનો જથ્થો કબ્જે કર્યો હતો. જે બાદ એસએમસી ટીમે ફોરેસ્ટ વિભાગ તેમજ એફએસએલ ટીમ પાસે ઝડપાયેલ પદાર્થની ખરાઈ કરાવતા તે એમ્બરગ્રીસ હોવાનું ફલિત થયું હતું. જેથી એસએમસીની ટીમે રૂ. 4,30,60,000 ના કિંમતની 4.306 કિલોગ્રામ એમ્બરગ્રીસનો જથ્થો કબ્જે કરી ચારેય શખ્સોની ધરપકડ કરી હતી.
ઝડપાયેલ શખ્સોની પૂછપરછમાં ઇમરાન હમીરભાઇ પરમાર તથા સાજીદ અયુબખાન પઠાણને અભિષેક રાઠોડ અને ભરતભાઈ ભરવાડ (રહે બંને ભાવનગર) બે દિવસ પૂર્વે ગેરકાયદેસ એમ્બરગ્રીસનો જથ્થો સાચવવા માટે આપી ગયેલ હતા. તે જથ્થો વેચાવી આપો તો બંનેએ કમિશન આપવાની વાત કરતા ઇમરાને બીજા દિવસે બુધેલ ગામ ખાતે રહેતા તેના મિત્ર ફૈઝાન મધરા અને સબીર સૈયદને બોલાવી એમ્બરગ્રીસના જથ્થાનું વેચાણ કરવા માટે ગ્રાહક શોધવાનું નક્કી કર્યું હતું. વધુમાં વેચાણ થાય ત્યાં સુધી સબીર સૈયદને આ જથ્થો સાચવવા માટે આપેલ હતો. બાદ રાત્રીના સમયે ગ્રાહક શોધવાની વાતચીત કરવા ચારેય શખ્સો ભેગા થયેલ હતા ત્યારે જ એસએમસીની ટીમે દરોડો પાડી રૂ. 4.31 કરોડના મુદ્દામાલ સાથે ચારેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.

