અમેરિકાના ૪૮ રાજ્યમાંથી મોટા ભાગના રાજયો એક વિશાળ અને લાંબા સમય સુધી ચાલનાર હીટ ડોમની ઝપટમાં આવવાની તૈયારીમાં
Washington, તા.૧૧
ગયા મહિના દરમિયાન યુરોપમાં ભયંકર હીટવેવના પ્રકોપની અસર જોવા મળી હતી, જેનાથી હજારો લોકોના મોત થયા હતા, પણ હવે અમેરિકા પર સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકાના મોટા ભાગના ભાગોએ ભીષણ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અમેરિકાના ૪૮ રાજ્યમાંથી મોટા ભાગના રાજયો એક વિશાળ અને લાંબા સમય સુધી ચાલનાર હીટ ડોમની ઝપટમાં આવવાની તૈયારીમાં છે.આ હીટ ડોમના લીધે તાપમાનમાં ભારે વધારો નોંધાશે. અમેરિકાની રાષ્ટ્રીય હવામાન સેવા દ્વારા આ સ્તરને ‘અત્યંત અને ખતરનાક’ તરીકે વર્ણવવામાં આવ્યું છે. હવામાનશાસ્રીઓએ જણાવ્યું કે આ હીટ વેવ આ અઠવાડિયાના અંતમાં શરૂ થશે અને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ચાલશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તેની અસર મહિનાના અંત સુધી અનુભાઇ શકે છે.તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા વિસ્તારોમાં રાત્રે પણ તાપમાન સામાન્ય કરતાં ૧૫ થી ૨૫ ડિગ્રી ફેરનહીટ(૮ થી ૧૪ ડિગ્રી સેલ્સિયસ) વધુ રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે ઊંચું તાપમાન માનવ સ્વાસ્થ્ય અને અગાઉથી જ સક્રિય જંગલની આગને બુઝાવવાના પ્રયાસો માટે બહુ ખરાબ સાબિત થાય છે.યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એગ્રીકલ્ચર એન્ડ નેચરલ રિસોર્સિસના આબોહવા વૈજ્ઞાનિક ડેનિયલ સ્વેને જણાવ્યું કે આ આગામી હીટ વેવ ખૂબ અસાધારણ હોવાનું જણાઇ રહ્યું છે. તે લાંબો સમય ચાલનારી, વ્યાપક અને તીવ્ર ગરમીની ઘટના હશે. જે એક અઠવાડિયા કરતાં વધુ સમય સુધી લાખો લોકોને પ્રભાવિત કરશે.ત્રણ હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર હાઇ પ્રેશરનો એક ડોમ- જે ઠંડા પવનો અને વરસાદને અવરોધે છે અને ગરમ હવાને વાસણના ઢાંકણની જેમ રોકી રાખે છે- શરૂઆતમાં ઉત્તરીય મેદાની વિસ્તારો ઉપર બનશે. પરંતુ તે એટલો મોટો હશે કે અમેરિકાના મુખ્ય ભૂમિના લગભગ બે તૃતિયાંશ ભાગને ભીષણ ગરમીની ઝપટમાં લેશે. જેની અસર ૧૦ દિવસ કે તેથી વધુ સમય સુધી જોવા મળી શકે છે.

