Rajkot,તા.૧૧
તાજેતરના સમયમાં પાટીદાર સમાજમાં ખાસ કરીને સિંગર યુવતીઓના પ્રેમ લગ્નને લઈને ચર્ચા અને વિવાદો વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેમણે જણાવ્યું કે પ્રેમ લગ્ન કરવું કોઈ ગુનો નથી, પરંતુ જીવનસાથીની યોગ્ય પસંદગી અને માતા-પિતાની સહમતી સાથે લેવાયેલો નિર્ણય વધુ મહત્વનો છે.નરેશ પટેલે કહ્યું કે આ મુદ્દો માત્ર સિંગર યુવતીઓ પૂરતો મર્યાદિત નથી. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત યુવતીઓ માટે પણ યોગ્ય માર્ગદર્શન અને સારા મૂલ્યો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં યોગ્ય આદર્શ પસંદ કરવા જોઈએ.
સિંગર યુવતીઓ અંગે તેમણે કહ્યું કે સંગીત ક્ષેત્રે આગળ વધતી યુવતીઓએ સ્વરકોકિલા લતા મંગેશકરને પોતાના આદર્શ તરીકે જોવું જોઈએ. તેમના મતે સફળતા સાથે સંસ્કાર અને જવાબદારીનું પણ સમાન મહત્વ છે.
નરેશ પટેલે આ નિવેદન પોતાના ૬૧મા જન્મદિવસના અવસરે આપ્યું હતું. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે ગુજરાત તેમજ રાજ્ય બહાર મળી કુલ ૭૫ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. રાજકોટ શહેરમાં સવારે ૮થી ૧૨ વાગ્યા દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી નરેશ પટેલના જન્મદિવસે સામાજિક સેવા સાથે જોડાયેલા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.

