અંજલીને ‘ધમાલ ૪’માં બૉડી શેમિંગ આધારિત કેટલાક જોક્સને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી
Mumbai, તા.૧૪
અંજલી આનંદ હાલમાં ‘ધમાલ ૪’માં જોવા મળી રહી છે, તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્લસ-સાઇઝ કલાકારો સાથે થતા ભેદભાવ અને બૉડી શેમિંગ અંગે ખુલીને વાત છે. એક વિશેષ ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેની ઊંચાઈ અને ભારે શરીરનાં કારણે તેને ઘણીવાર માત્ર કોમિક પાત્રો જ ઓફર કરવામાં આવે છે. ટેલિવિઝન બાદ અંજલીની પ્રથમ ફિલ્મ અક્ષય કુમારની ‘બેલ બોટમ’ હતી. તે ફિલ્મમાં પોતાનાં પાત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું, “હું ‘બેલ બોટમ’માં માત્ર એટલાં માટે હતી કે એક આતંકવાદી મારા પર પડી જાય અને પકડાઈ જાય.”તેણે ઉમેર્યું કે આવા પાત્રો માત્ર તેનાં વજનને કારણે ઓફર કરવામાં આવે છે. “લોકો એ પણ નથી જોતાં કે હું સારી એક્ટર છું કે નહીં. તેઓ માત્ર મારા શરીરને આધારે નિર્ણય લઈ લે છે. તેમના મતે હું સુંદરતાનાં માપદંડમાં ફિટ નથી થતી. પરંતુ આવા લોકો માટે તો દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન પણ પૂરતાં સારાં નથી. આવા લોકો માત્ર અભિપ્રાય આપવા ખાતર જ અભિપ્રાય આપે છે. તેમની વાતોથી તમારી વાસ્તવિકતા બદલાતી નથી.” ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં અંજલીનાં પાત્રે બૉડી શેમિંગ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ અંગે તેણે કહ્યું, “પહેલાં ફિલ્મોમાં જાડી યુવતી માત્ર ખાવા માટે અથવા કોમેડી માટે જ દેખાડવામાં આવતી હતી. કોઈ તેના પર પડી જાય, તે બર્ગર ખાતી હોય અથવા મજાકનું પાત્ર બને – બસ એટલું જ. પહેલીવાર લોકો એક પ્લસ-સાઇઝ યુવતીને પોતાનો અવાજ ઉઠાવતા જોઈ રહ્યાં હતાં.”તેણે જણાવ્યું કે આ પાત્રને કારણે ઇન્ડસ્ટ્રીમાં પ્લસ-સાઇઝ પાત્રો પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો, પરંતુ તેની સાથે જ તે એક જ પ્રકારની ભૂમિકાઓમાં બંધાઈ પણ ગઈ. “મેં ‘ડબ્બા કાર્ટલ’ અને ‘રાત જવાન હૈ’ જેવા પ્રોજેક્ટ દ્વારા આ છબી બદલવાનો પ્રયાસ કર્યો.”અંજલીને ‘ધમાલ ૪’માં બૉડી શેમિંગ આધારિત કેટલાક જોક્સને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે. આ અંગે તેણે કહ્યું, “લોકો મને પુછે છે કે જ્યારે તમે બૉડી શેમિંગ સામે બોલો છો, તો પછી આવી ફિલ્મ કેમ કરો છો? પરંતુ હકીકત એ છે કે સમાજ આજે પણ બદલાયો નથી. મેં મારી ક્ષમતા સાબિત કરી હોવા છતાં લોકો આજે પણ સોશિયલ મીડિયા પર મને ટ્રોલ કરે છે.”તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેને ‘કિસ ભૈંસ કો લે લિયે’, ‘રીતેશના શું દિવસ આવી ગયા કે આ હીરોઇન સાથે કામ કરવું પડ્યું’, ‘ઇન્ડસ્ટ્રીમાં હીરોઇનો ખૂટી ગઈ છે શું?’ જેવી અપમાનજનક ટીકાનો સામનો કરવો પડે છે. અંજલીએ અંતમાં કહ્યું, “જ્યાં સુધી સમાજ બદલાશે નહીં, ત્યાં સુધી ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ નહીં બદલાય.”

