જીજ્ઞેશ પટેલ
Manavadar તા.૧૪
Manavadar-બાંટવા પંથકમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના કારણે લાદવામાં આવેલા જંત્રીના અસહ્ય ભાવવધારા સામે સ્થાનિક જનતા, ખેડૂતો અને વેપારીઓમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં, આખરે માણાવદરના ઉદ્યોગપતિ રાજુભાઈ ઝાટકીયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને મુખ્યમંત્રીને સંબોધીને એક ઉગ્ર પત્ર પાઠવવામાં આવ્યો છે.
આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, આજુબાજુના વધુ વિકસિત જૂનાગઢ, ધોરાજી અને ઉપલેટા જેવા વિસ્તારો કરતાં પણ માણાવદરમાં જંત્રીના દર વધુ રાખવામાં આવ્યા છે. તંત્રએ વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ તપાસ્યા વગર માત્ર બંધ ઓફિસોમાં બેસીને જ આ દરો થોપી દીધા છે. દાખલા તરીકે, જીલાણામાં જંત્રી દર પ્રતિ ચો.મી. ૮૬ છે, જ્યારે તેની બિલકુલ બાજુના માણાવદરના ખેતરમાં તે ૩૭૨ લાદવામાં આવ્યો છે.
અગાઉ માણાવદર તાલુકામાં ૧૨૦ પૈકી ૧૦૦ જેટલી જીનીંગ મીલો અને અન્ય અગ્રણી સોલ્વન્ટ કારખાનાઓ બંધ થતાં સ્થાનિક અર્થતંત્ર પહેલેથી જ ભાંગી પડ્યું છે. આવા સમયે આ અવાસ્તવિક દરથી રિયલ એસ્ટેટના વ્યવહારો સદંતર ઠપ્પ થઈ ગયા છે. મીલ માલિકોએ પડકાર ફેંક્યો છે કે જો સરકારને આ દરો વ્યાજબી લાગતા હોય, તો તેઓ પોતાની તમામ મિલકતો જંત્રી કિંમતના માત્ર ૬૦ ટકા ભાવે સરકારને વેચવા તૈયાર છે.
સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે જંત્રીની આ ગંભીર ટેકનિકલ ભૂલ સુધારી દરો વ્યાજબી કરવામાં આવે તેમજ તાજેતરમાં કરાયેલો અસહ્ય ભાવવધારો ત્વરિત પાછો ખેંચીને વર્ષ ૨૦૧૧ના ભાવો અમલી બનાવવામાં આવે. જો વહેલી તકે ન્યાય આપવામાં નહીં આવે, તો સમગ્ર પંથકની જનતા અને વેપારીઓ ઉગ્ર આંદોલન અને કાનૂની લડત શરૂ કરશે, જેની તમામ જવાબદારી સરકારની રહેશે.

