Bhavnagar,તા.૧૧
Bhavnagar જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આવેલા ભવસાગર ડેમમાં મોટી તકનીકી ઘટના સામે આવી છે. ડેમના ૧૫ નંબરના ગેટને સંચાલિત કરતો મુખ્ય વાયર (રેસો) તૂટી જતાં ગેટ નીચે પડી ગયો હતો. આ ઘટનાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ અનિયંત્રિત રીતે નદીમાં છોડાવા લાગ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
માહિતી અનુસાર, ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે ગેટમાં ખામી સર્જાતા તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. ગેટને થયેલા નુકસાનને કારણે પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
જિલ્લા પ્રશાસને ઉમરાળા તાલુકાના રંઘોળા, દેવળીયા, લંગાળા, ઝાંઝમેર, પીપરળી, ધારૂકા, માલપરા, ડંભાળીયા અને ચોગઠ સહિત શિહોર તાલુકાના ભાણગઢ ગામના લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે. ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપવા સૂચના આપવામાં આવી છે.
વહીવટીતંત્રે નદીના પટ અને કિનારાના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. લોકોને પૂર જોવા, ફોટા કે સેલ્ફી લેવા માટે નદી નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે. સાથે જ નીચાણવાળા અને કાચા મકાનોમાં રહેતા પરિવારોને જરૂર પડે તો સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ અને મિકેનિકલ એન્જિનિયરોની ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ છે. તૂટેલા ગેટની મરામત અથવા વૈકલ્પિક સ્ટોપ-લોગ ગેટ સ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેથી પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકાય.

