શાસ્ત્રીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતી નિમિતે વિવિધ આયોજનો
Rajkot તા.૧૪
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આગામી ૧૬ જુલાઈ, ગુરુવારે સાંજે ૪ કલાકે રથયાત્રા સ્વામિનારાયણ ગુરુકુલથી પ્રસ્થાન કરશે.વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બળભદ્રજી ને વિશાળ રથમાં વિરાજીત કરી, સંતો દ્વારા રથને ખેંચીને નગરમાં વિચરણ કરશે. આ યાત્રામાં સૌથી આગળ ડીજે રહેશે. ૪૦ ઉપરાંત બાઈક સંપૂર્ણ રથયાત્રાનું પાયલોટિંગ કરતા હશે. ત્યારબાદ ૪૦ બાલમંડળના બાળકો એક સમાન ડ્રેસમાં સાયકલ સવારી વડે રથયાત્રામાં જોડાશે. જગન્નાથજી નો મુખ્ય રથ સાથે કાર,ટ્રેક્ટર,છોટા હાથી વગેરે વાહનો જોડાશે. ત્યારબાદ પદાતી વિદ્યાર્થીઓ તેમજ એક સમાન આત્મીય ડ્રેસમાં હરિભક્તો જોડાશે.આ યાત્રામાં એક ફ્લોટમાં સાંખ્યયોગી બહેનો અને મહિલા દ્વારા મહામંત્ર ગાન સાથે અવિરત પૂજન થશે. બીજા ડીજે ના ફ્લોટ બાદ ત્રિરંગા દુપટ્ટા, સાફા સાથે, પંજાબી ડ્રેસ સાથે કિશોરીઓ જોડાશે. ત્યાર બાદ રેડ બાંધણી પહેરેલ યુવતીઓ અને સહજાનંદી સાડીમાં મહિલાઓ જોડાશે. મહિલા વિભાગમાં બેન્ડ પાર્ટી, કિશોરીના દાંડિયા રાસ, મહિલાઓના કરતાલ રાસ અને ખંજરી રાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે.વિવિધ રાસ મંડળીઓ હશે જે સમગ્ર રથયાત્રામાં રાસની રમઝટ બોલાવશે. સાથે કિર્તન મંડળીઓ કીર્તનભક્તિની જમાવટ કરશે. ગોવાળિયાના ડ્રેસમાં યુવાનો હિચ રાસ દ્વારા ગોકુળનો માહોલ સર્જશે.
આ રથયાત્રામાં આગળ પાછળ સફાઈ વાહનો પણ હશે, જે રથયાત્રા દરમિયાન કોઈપણ કચરો સાફ કરી અને રથયાત્રાને પ્રદૂષણ મુક્ત બનાવશે. પૂ. ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને ધૂન વાળા નારાયણપ્રસાદ સ્વામી અને વડીલ સંતોના હસ્તે રથયાત્રા નું પ્રસ્થાપન ગુરુવારે સાંજે ૪ વાગ્યે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટથી કરવામાં આવશે. જેમાં હજારો હરિભક્તો અને વિદ્યાર્થીઓ અને મહિલાઓ જોડાવાના છે
જગન્નાથજીની રથયાત્રા રૂટ :ઢેબર રોડ ગુરુકુલથી નાગરીક બેંક ચોક, ભક્તિનગર સર્કલ, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કુલ,પારડી રોડ, સહકાર રોડ, ત્રિશુલ ચોક, ગાયત્રીનગર મેઇન રોડ, જલારામ ચોક, ધર્મજીવન મેઇન રોડ થઇ ગુરુકુલ પરત પધારશે.
આ સમગ્ર રથયાત્રાના આયોજનમાં શ્રીવલ્લભ સ્વામી, પૂર્ણપ્રકાશ સ્વામી, હરિપ્રિય સ્વામી, રસિકવલ્લભ સ્વામી, તીર્થ સ્વામી, જનમંગલ સ્વામી વગેરે સંતો જોડાશે. આ રથયાત્રાની ખાસિયત એ છે કે રથયાત્રાના પાવન પર્વે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે આ યાત્રા સંપૂર્ણ થીમ આધારિત આયોજિત કરવામાં આવેલી છે. શાસ્ત્રીજી મહારાજે વિવિધ કલ્યાણકારી સેવા પ્રવૃત્તિઓ સમાજને અર્પણ કરી તેમાં વ્યસન મુક્તિ અભિયાન, સદાવ્રત અન્નક્ષેત્ર, વૃક્ષારોપણ અભિયાન, જળસંચય અભિયાન, ગૌશાળા, પશુ રોગ નિદાન કેમ્પ, આપતગ્રસ્ત સહાય જેવી સામાજિક સેવા કરી હતી.
સ્પેશિયલ ટ્રેન યાત્રા, બ્રહ્મ સત્ર, જ્ઞાન સત્ર, ભક્તિ સત્ર, સંહિતા પારાયણ , અખંડ ધૂન અખંડ મંત્ર લેખન, જપ યજ્ઞ, સત્સંગ સાધના શિબિર વગેરે આધ્યાત્મિક પોષણ કાર્યો દ્વારા સમાજ ઉત્થાન કાર્ય કર્યું હતું. શાસ્ત્રીજી મહારાજે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, મોબાઈલ ડિસ્પેન્સરી, આર્યુવેદિક ઔષધાલય વગેરે તબીબી સેવા જન કલ્યાણ અર્થે કરી હતી. તેમની સ્મૃતિમાં આજે ધર્મજીવન હોસ્પિટલ, રાજકોટ અને ધર્મજીવન હોસ્પિટલ અમરેલી માં તદ્દન ટોકન દરે દરેક સ્પેશિયલ સારવાર વિભાગ અને નિશુલ્ક ઓપરેશનો થઈ રહ્યા છે.
સનાતન હિન્દુ સંસ્કૃતિના વાહક અને ગુરુકુલ પરંપરાના પુનઃસ્થાપક પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી આ વર્ષે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી રહી છે. અષાઢી બીજના પવિત્ર દિવસે જન્મેલા પૂજ્ય ગુરુદેવનું સમગ્ર જીવન સમાજ સુધારણા અને માનવ નિર્માણ માટે સમર્પિત રહ્યું હતું. તેમણે માત્ર સાત વિદ્યાર્થીઓ સાથે એક ભાડાના મકાનમાંથી જે ગુરુકુલની શરૂઆત કરી હતી, તે આજે વિશ્વભરમાં ૬૮થી વધુ શાખાઓ ધરાવતું વિશાળ વટવૃક્ષ બની ગયું છે, જ્યાં હજારો બાળકો ભારતીય સંસ્કારોનું શિક્ષણ મેળવી રહ્યા છે. આ સમગ્ર રથયાત્રાના આયોજનમાં શ્રીવલ્લભ સ્વામી, પૂર્ણપ્રકાશ સ્વામી, હરિપ્રિય સ્વામી, રસિકવલ્લભ સ્વામી, તીર્થ સ્વામી, જનમંગલ સ્વામી વગેરે સંતો જોડાશે.

