Rajkot,તા.૧૪
ધોરાજી પંથકમાં આજે સવારે એક હૃદય કંપાવનારો અને સનસનાટીભરી હત્યાનો મામલો સામે આવ્યો છે. ધોરાજીના મોટી મારડ ગામની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાંથી બે શ્રમિકોના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર બે મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવક-યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, મોટી મારડ સીમ વિસ્તારમાં આવેલી રમેશભાઈ નામની વ્યક્તિની વાડીમાં આ ઘટના બની છે. રોજની જેમ આજે સવારે જ્યારે વાડી માલિક રમેશભાઈ પોતાની વાડીએ પહોંચ્યા ત્યારે ત્યાંનો નજારો જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વાડીમાં કામ કરતા બે મજૂરો મૃત હાલતમાં લોહીલુહાણ પડ્યા હતા. તેમણે તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવક અને યુવતી વાડી માલિકના ભાગિયા તરીકે કામ કરતા વ્યક્તિની દીકરી અને જમાઈ હતા. આ નવદંપતીના લગ્ન હજુ માંડ બે મહિના પહેલા જ થયા હતા. બંનેના માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ઉપરાઉપરી ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.
સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, પરિવારમાંથી અન્ય એક બહેન અગાઉ ભાગી ગઈ હતી, જેની અદાવત અથવા તો અન્ય કોઈ અગમ્ય કારણોસર આ બંનેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા છે. જોકે, સાચું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ધોરાજી અને પાટણવાવ પોલીસ તેમજ એલ.સી.બી. સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને હત્યારાઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની ટીમને પણ સ્થળ પર બોલાવીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આ ડબલ મર્ડરની ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.

