Washington,તા.15
પશ્ચિમ એશિયામાં વધી રહેલાં ભારે સૈન્ય તણાવ વચ્ચે અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે. અમેરિકી સેનાના જણાવ્યાં અનુસાર, છેલ્લાં સાત દિવસમાં ઈરાને જાણીજોઈને સાત કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યાં છે.
પાડોશી દેશો તરફ ડઝનબંધ મિસાઈલો તથા ડ્રોન પણ છોડ્યાં છે. આ હુમલાઓમાં લગભગ એક ડઝન જેટલાં ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને ખોરવવાની ઈરાનની આ આક્રમક પ્રવૃત્તિઓ સામે જવાબી કાર્યવાહી કરતાં અમેરિકાએ 20થી વધુ યુદ્ધ જહાજો અને સેંકડો લશ્કરી વિમાનો સાથે ઈરાનના બંદરો પર ફરીથી દરિયાઈ નાકાબંધી શરૂ કરી દીધી છે.
બીજી તરફ, હોર્મુઝ જલડમમધ્યમાં સંયુક્ત આરબ અમીરાતના બે ઓઈલ ટેન્કર જહાજો ‘એમટી અલ બહિયાહ’ અને ‘એમટી મોમ્બાસા’ પર ઈરાની ક્રૂઝ મિસાઈલોથી થયેલાં હુમલા અંગે ભારતે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ બંને જહાજો પર કુલ 46 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 30 ભારતીય નાવિકો આ હુમલાની ઝપેટમાં આવ્યાં છે.
જેમાં ‘એમટી અલ બહિયાહ’ પર સવાર 12 ભારતીયોમાંથી એક નાવિકનું મોત થયું છે અને એક ઘાયલ થયો છે, જ્યારે ‘એમટી મોમ્બાસા’ પર સવાર 18 ભારતીયોમાંથી નવ નાવિકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે.

