લિક્વિડ પી લેતા સારવારમાં દમ તોડ્યો, પરિવારમાં શોક
Rajkot તા.૧૬
શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ ૨૫ વારિયા ક્વાર્ટરમાં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળી જઈ ડિશ વોશરનું (વાસણ સાફ કરવાનું) લિક્વિડ પી લેતા ચકચાર મચી જવા પામી છે. ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા ૨૫ વારિયા ક્વાર્ટરમાં રહેતો વિકી જેન્તીભાઈ બાવરીયા (ઉં ૨૦) લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. આ બીમારીથી કંટાળીને ગત તારીખ ૧૪જુલાઇના રોજ બપોરે અઢી વાગ્યાની આસપાસ, જ્યારે તે પોતાના ઘરે હતો ત્યારે તેણે ઘરમાં રહેલું વાસણ સાફ કરવાનું ડિશ વોશર લિક્વિડ પી લીધું હતું. ઝેરી પ્રવાહી પેટમાં ચાલ્યું જતાં વિકીની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, ઝેરની અસર વધુ હોવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક વિકી બે ભાઈ અને ત્રણ બહેનોમાં સૌથી નાનો અને અપરિણીત હતો. ઘરના સૌથી નાના અને વ્હાલસોયા દીકરાએ માનસિક બીમારીના કારણે જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં શોક છવાયો છે. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

