Mumbai,તા.17
બોલિવૂડ એક્ટર સલમાન ખાન ફરી એકવાર ભારે ચર્ચામાં આવ્યો છે. આ વખતે તેની ચર્ચાનું કારણ તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ સોમી અલીનું એક અત્યંત ચોંકાવનારું નિવેદન છે. સોમી અલીએ દાવો કર્યો છે કે તેણે સલમાન ખાનને તેના પ્રાઇવેટ નંબર પર પર્સનલ મેસેજ કરીને 1998ના બ્લેક બક (કાળા હરણ) શિકારના કેસમાં બિશ્નોઈ સમાજના મંદિરે જઈને માફી માંગી લેવા માટે સલાહ આપી હતી, પરંતુ સલમાને તેની વાત પર સહેજ પણ ધ્યાન આપ્યું નથી.
એક ખાસ ઇન્ટરવ્યુમાં સોમી અલીએ જણાવ્યું કે, “મેં સલમાનને પર્સનલ ટેક્સ્ટ મેસેજ મોકલીને કહ્યું હતું કે હજી પણ સમય છે, તું બિશ્નોઈ સમાજના મંદિરે જા અને તેં જે ખોટું કર્યું છે તેના માટે હાથ જોડીને માફી માંગી લે. જો તું માફી માંગી લઈશ તો બધું જ ઠીક થઈ જશે.” સોમીએ ઉમેર્યું કે તેણે માત્ર સલમાનને જ નહીં, પરંતુ બિશ્નોઈ સમાજના લોકોને પણ અપીલ કરી હતી. તેણે સમાજના લોકોને વિનંતી કરતા કહ્યું હતું કે, “સલમાનનો જીવ લેવાથી તમારું કાળું હરણ પાછું આવવાનું નથી, હું સલમાન વતી હાથ જોડીને વિનંતી કરું છું કે તેને માફ કરી દો.” જોકે, સોમીના કહેવા પ્રમાણે બંને તરફથી તેને કોઈ જ રિસ્પોન્સ મળ્યો નથી.
સોમીએ ડર વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે, “હું જ્યાં સુધી મરી નહીં જાઉં, ત્યાં સુધી તે મારો પીછો છોડવાનો નથી.” આ સાથે જ તેણેઆ વિવાદ વર્ષ 1998નો છે, જ્યારે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈં’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર બે કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. બિશ્નોઈ સમાજ કાળા હરણને અત્યંત પવિત્ર અને પૂજનીય માને છે, જેથી આ ઘટના બાદથી જ બિશ્નોઈ સમાજ દ્વારા સલમાન ખાનનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2018માં જોધપુરની એક અદાલતે સલમાન ખાનને આ કેસમાં દોષિત ઠેરવીને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, બાદમાં સલમાનને જામીન મળી ગયા હતા અને આ કેસ હાલમાં પણ કોર્ટમાં પેન્ડિંગ છે. આ જ કેસને કારણે છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે.
1990ના દાયકામાં સલમાન ખાન અને સોમી અલીનો સંબંધ બોલિવૂડમાં ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો. બંને ઘણા વર્ષો સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા હતા, પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ પછી સોમી અલીએ સલમાન ખાન પર અનેક વખત ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં સંબંધો દરમિયાન શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, સલમાન ખાને ક્યારેય સોમીના આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

