Mumbai, તા.૨૭
અમેરિકન મોડેલ અને ટીવી પર્સનાલિટી કેન્ડલ જેનર ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે કારણ તેનો ફેશન અંદાજ નહીં, પણ ધાર્મિક લાગણીઓ દુભાવવાનો વિવાદ છે. બહામાસમાં વેકેશન માણી રહેલી કેન્ડલના કેટલાક ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, આ ફોટોમાં તે સ્વિમવેર પર હિંદુ ધર્મના પવિત્ર પ્રતીક ઓમની ડિઝાઇનવાળું વસ્ત્ર પહેરેલી જોવા મળી રહી છે.કેન્ડલ જેનર પોતાની બહેન કાઈલી જેનર સાથે મોડેલ હેલી બીબરનો ૩૦મો જન્મદિવસ ઉજવવા બહામાસ ગઈ હતી, જ્યાં તેમણે યૉટ પર રજાઓ માણી હતી. કાઈલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ટ્રિપની તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં કેન્ડલે બ્લેક કલરની ટુ-પીસ બિકિની પહેરી છે અને તેની ઉપર પીળા-લાલ રંગનું સારોંગ વીંટાળ્યું છે, જેના પર ઓમના ચિહ્નો બનેલા છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે ઇન્સ્ટાગ્રામ, એક્સ અને રેડિટ પર ભારતીય યુઝર્સે કેન્ડલના આ પગલાંની આકરી ટીકા કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ‘ઓમ‘ કોઈ સામાન્ય સુશોભન ડિઝાઇન કે બીચ પર પહેરવાની ફેશન એક્સેસરી નથી, પરંતુ કરોડો લોકોની શ્રદ્ધા અને આધ્યાત્મિક સાધનાનું પવિત્ર પ્રતીક છે.બીજી તરફ, કેટલાક લોકોનું માનવું છે કે શક્ય છે કે કેન્ડલને ‘ઓમ’ ના ધાર્મિક મહત્વની જાણકારી ન હોય. જોકે, આ દલીલનો વિરોધ કરતા લોકોએ કહ્યું કે વિશ્વભરમાં યોગ અને ધ્યાનની લોકપ્રિયતા જોતાં કોઈ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટી આ પ્રતીકથી અજાણ હોય તે માનવું મુશ્કેલ છે. હાલ કેન્ડલ જેનર તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.હિંદુ ધર્મમાં ‘ઓમ‘ ને પરમ સત્ય (બ્રહ્મ) અને સાર્વભૌમિક ચેતનાનું પ્રતીક માનવામાં આવે છે. દરેક પૂજા-પાઠ, મંત્રોચ્ચાર અને ધાર્મિક અનુષ્ઠાનની શરૂઆત અને સમાપ્તિ ‘ઓમ’ ના ઉચ્ચારણથી થાય છે. માંડૂક્ય ઉપનિષદ અનુસાર, આ પ્રતિક ત્રણ ધ્વનિઓ—’અ’, ‘ઉ’ અને ‘મ‘ ના સંગમથી બનેલું છે, જે ચેતનાની ત્રણ અવસ્થાઓ (જાગૃત, સ્વપ્ન અને ગાઢ નિદ્રા)નું પ્રતિનિધિત્વ કરે છે.વાત કરીએ કોણ છે કેન્ડલ જેનર એની તો કેન્ડલ જેનર વિશ્વની ટોચની અમેરિકન મોડેલ અને ટીવી પર્સનાલિટી છે. રિયાલિટી શો ‘કીપિંગ અપ વિથ ધ કાર્દાશિયન્સ’ના ૨૦૦૭થી ૨૦૨૧ સુધીના તમામ ૨૦ સિઝન દ્વારા તેને વૈશ્વિક ઓળખ મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્ડલ ફેબ્રુઆરી ૨૦૧૭માં ભારતની મુલાકાતે પણ આવી હતી અને તે સમયે જયપુરમાં ઘરેણાંની ખરીદી કરતી તેના ફોટો વાઈરલ થયા હતા.

