Mumbai, તા.૨૭
દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયને નેટફ્લિક્સની પહેલી પાકિસ્તાની વેબ સિરીઝ ‘જો બચે હૈ સંગ સમેટ લો’ના ભારતમાં સંભવિત પ્રસારણને લઇને અનેક ફરિયાદો મળી છે. આ અંગે સરકારે નેટફ્લિક્સને પાકિસ્તાનમાં બનેલી સામગ્રી ભારતમાં પ્રસારિત ન થાય તેની ખાતરી કરવા કહ્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ આ વેબ સિરીઝનું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, પરંતુ નેટફ્લિક્સે હજુ સુધી કોઇ ટિપ્પણી કરી નથી કે ૪ ડિસેમ્બરે રિલીઝ થનારી આ શ્રેણી ભારતમાં પણ રિલીઝ થશે કે તે માત્ર પાકિસ્તાન અને અન્ય દેશોના દર્શકો માટે જ છે.ભારતમાં ફિલ્મ ઉદ્યોગના બે સંગઠનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ શ્રેણી પર પ્રતિબંધની માંગ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલયે નેટફ્લિક્સને ૮ મે, ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલી એડવાઇઝરીનું પાલન કરવાનું અને પાકિસ્તાનમાં બનેલી સ્ટ્રીમિંગ સામગ્રી ભારતમાં ઉપલબ્ધ ન થાય તેની ખાતરી કરવા કહ્યું છે.ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન ( એઆઇસીડબ્લ્યુએ) અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ(એફડબ્લ્યુઆઇસીઇ)એ કહ્યું છે કે જો આ શો ભારતમાં રિલીઝ થશે તો તે ગયા વર્ષે પહલગામ આતંકવાદી હુમલા પછી જાહેર કરાયેલી મંત્રાલયની એડવાઇઝરીનું ઉલ્લંઘન ગણાશે. તે વખતે મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ્સ અને સ્ટ્રીમિંગ સેવાઓને પાકિસ્તાની કન્ટેન્ટને હટાવવા અને દર્શાવવાનું બંધ કરવાનું કહ્યું હતું.

