Mumbai, તા.૨૭
ફિલ્મ ‘પેડ્ડી’ના વિશેષ ગીત ‘હેલ્લાલાલ્લો’ અને સોશિયલ મીડિયા પર ઊભી થયેલી ચર્ચાઓ વચ્ચે શ્રૃતિ હાસને પોતાની સ્પષ્ટ અને નિખાલસ વાત મૂકી છે. ખાસ કરીને ‘પેડ્ડી’ને લઈને શ્રૃતિએ સ્પષ્ટ કર્યું કે તે પરંપરા પર સવાલ જરૂર ઉઠાવે છે, પરંતુ આવા ગીતોમાં તેનો ભાગ બહારના દબાણ કે અપેક્ષાઓને પૂરી કરવા માટે નહીં, પરંતુ ડાન્સ કરવાના પોતાના અંગત આનંદ માટે હોય છે.પોતાના લૂક, સ્ટાઈલ અને અંગત સીમાઓ અંગે શ્રૃતિએ કહ્યું કે તેને ડાન્સ કરવો અને સજ્જ થવું ગમે છે. પોતાની સુંદરતા અને આકર્ષણને મુક્ત રીતે રજૂ કરવાનો અનુભવ તેના માટે આઝાદી આપનારો રહ્યો છે. તેણે ક્યારેય કોઈને રીઝવવા માટે સમાધાન નથી કર્યું. જ્યારે કોઈ વસ્તુ સાથે તે સહજ ન હોય, ત્યારે તે સ્પષ્ટ ના પાડે છે. જો કોઈ પોશાક કે દ્રશ્ય સાથે અસહજતા લાગે તો તે તે નથી કરતી. આ બાબતે દલીલો થઈ છે અને તેને ‘મુશ્કેલ’ (ડિફિકલ્ટ) પણ કહેવામાં આવી છે, પરંતુ તેને તેની કોઈ પરવા નથી.આઈટમ સોંગ્સ, દર્શકોની નજર અને કલાકારો પાસે રખાતી અપેક્ષાઓ વિશેની ચર્ચા પર પણ શ્રૃતિએ પોતાના વિચારો રજૂ કર્યા. તેણે નોંધ્યું કે બહારની અપેક્ષાઓ મુજબ ચાલવાની વૃત્તિ માત્ર ડાન્સ સીક્વન્સ કે ટૂંકા કપડાં પૂરતી સીમિત નથી. શ્રૃતિએ કહ્યું કે તેના માટે ડાન્સ, કોરિયોગ્રાફી અને પોતાની સ્ટાઈલ માણવી એ ખુશીની વાત છે, કોઈને રીઝવવાના હેતુથી નહીં. તેના મતે, આજની દુનિયામાં અનેક રીતે લોકો બીજાની અપેક્ષાઓને પૂરી કરે છે—માત્ર ડાન્સ ટ્રેક્સમાં જ નહીં. અંતે દરેક વ્યક્તિએ નક્કી કરવું પડે કે તેણે શેની પસંદગી કરવી અને શેની નહીં.‘પેડ્ડી’ને મળેલા પ્રતિસાદ દરમિયાન જાહ્નવી કપૂરના પાત્ર ‘અચિયમ્મા’ની રજૂઆતને લઈને સોશિયલ મીડિયા પર ટીકાઓ થઈ હતી.’કોફી વિથ કરણ’ સીઝન ૯ દરમિયાન જાહ્નવીએ પણ આ વિવાદ પર વાત કરતાં કહ્યું હતું કે જે દ્રશ્યોમાં તે અસહજ હતી, તેના માટે તેણે વધુ સ્પષ્ટ રીતે ના પાડવાની જરૂર હતી અને તે સમયે તે વધુ મક્કમ રહી શકી હોત.

