Sriharikota, તા.18
દેશમાં અવકાશી અભિયાનમાં એક મોટી છલાંગ સમાન સિદ્ધિમાં ભારતનું પહેલું ખાનગી ઓર્બીટર વિક્રમ-1 નું આજે શ્રીહરિકોટાના લોન્ચીંગ સેન્ટર પરથી સફળતાપુર્વક રવાના કરાયુ છે. આમ ભારતમાં હવે આ ખાનગી રોકેટ લોન્ચીંગમાં એક નવી સફળતા સાથે ઈતિહાસ રચાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બદલ સ્કાયરૂટ એરોસ્પેસને અભિનંદન આપ્યા હતા. આંધ્રપ્રદેશના હરિકોટાથી વિક્રમ-1 નું લોન્ચીંગ કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્રસિંહ તથા ઈસરોના ટોચના વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા અને વિક્રમ-1 પૃથ્વીથી 450 કી.મી. દુરની ભ્રમણકક્ષામાં જશે.
આ લોન્ચીંગને મિશન આગમન નામ અપાયુ હતું. બપોરે 12.05 કલાકે આ લોન્ચીંગ થયું છે અને તે દેશભરમાં એક યાદગાર પળ બની રહી છે. દેશના મહાન અવકાશ વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈની યાદને કાયમ કરવા આ રોકેટ લોન્ચરનું નામ વિક્રમ-1 રાખવામાં આવ્યું હતું.
તે સાથે ભારતના સ્ટાર્ટઅપ કલ્ચરને એક નવી તાકાત મળી છે અને દેશમાં પ્રથમ વખત ઈસરો અને ભારતની જ ખાનગી કંપનીના સહયોગથી વિક્રમ-1નું લોન્ચીંગ થયું હતું અને સફળતાપૂર્વક લોન્ચીંગ થતા જ ઈસરોના લોન્ચીંગ પેડ ખાતે જબરો હર્ષનો માહોલ છવાઈ ગયો હતો.
વિશ્વમાં આ પ્રકારે ખાનગી એરોસ્પેસ કંપની દ્વારા રોકેટ લોન્ચીંગમાં ભારતે હવે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી લીધી છે અને આગામી દિવસોમાં દેશમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે અનેક નવી સિદ્ધિઓને માટે દ્વાર ખોલી નાંખ્યા છે.

