New Delhi, તા. 18
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીનાં જંતર-મંતર ખાતે ભારે હોબાળો જોવા મળ્યો હતો. `કોકરોચ જનતા પાર્ટી’ (સીજેપી) ના સ્થાપક અભિજીત દીપકે નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠા હતાં.
આ દરમિયાન એક અજાણી મહિલાએ તેમનાં પર અચાનક શાહી ફેંકી દીધી હતી, જેનાં કારણે પ્રદર્શન સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને ત્યાં હાજર દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી શાહી ફેંકનાર મહિલાને કસ્ટડીમાં લઈ લીધી હતી.
અભિજીત દીપકે પર થયેલાં આ હુમલા બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. સીજેપી દ્વારા સત્તાવાર રીતે દાવો કરવામાં આવ્યો છે કે શાહી ફેંકનારી મહિલા અને તેની સાથેનાં લોકો સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા મોકલવામાં આવેલાં ગુંડાઓ હતાં, જેમણે જાણીજોઈને પ્રદર્શનને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર પર છેલ્લાં કેટલાક દિવસોથી ચાલી રહેલાં આ આંદોલનમાં આ ઘટના બાદ તણાવ વધુ વધી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જંતર-મંતર ખાતેથી અગાઉનાં પ્રદર્શનકારીઓને હટાવવામાં આવ્યાં બાદ જ અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને મોરચો સંભાળ્યો હતો.
તેમણે “હું અત્યારથી જ અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી રહ્યો છું” તેવી જાહેરાત કરીને પોતાનું આંદોલન આક્રમક બનાવ્યું હતું. આ હડતાળ શરૂ થયાનાં ગણતરીનાં કલાકોમાં જ તેમના પર શાહી ફેંકવાની આ ઘટના સામે આવી છે, જેને પગલે પ્રદર્શનકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

