Mumbai, તા. 27
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફેસબુક-ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટા, એક્સ અને ગૂગલ/યુટ્યુબ જેવી અગ્રણી સોશિયલ મીડિયા કંપનીઓ સામે બોમ્બે હાઈકોર્ટમાં કાનૂની કેસ દાખલ કરવાની પરવાનગી મેળવી લીધી છે.
આ તમામ પ્લેટફોર્મ્સ પર તેમનાં અને તેમનાં પરિવાર વિરુદ્ધ ઈ-20 ઇથેનોલ પોલિસીને લઈને વાંધાજનક, ડીપફેક અને બદનક્ષીભરી સામગ્રી વાયરલ કરવામાં આવી રહી છે.
બોમ્બે હાઈકોર્ટનાં જસ્ટિસ અભય અહૂજાની બેંચે મંત્રી ગડકરીને `ક્લોઝ XII’ હેઠળ અરજી મંજૂર કરીને આ ડિજિટલ પ્લેટફોર્મ્સ તેમજ અજાણ્યા ક્નટેન્ટ ક્રિએટર્સ સામે સિવિલ સૂટ દાખલ કરવાની લીલી ઝંડી આપી છે. આ પ્રકારની ફેક અને ડીપફેક સામગ્રી મુંબઈ સહિત સમગ્ર દેશનાં ઇન્ટરનેટ યુઝર્સ સુધી પહોંચી રહી હોવાથી હાઈકોર્ટે આ કેસ હાથ ધર્યો છે.
નિતિન ગડકરીની કાનૂની ટીમે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે, આ કેસનો હેતુ સરકાર કે પોલિસી પર થતી વાજબી ટીકા કે જાહેર ચર્ચાને અટકાવવાનો નથી. પરંતુ અઈંના ઉપયોગથી બનાવેલાં ડીપફેક વિડિયો અને ખોટી પોસ્ટ્સ દ્વારા એવી ખોટી છાપ ઊભી કરવામાં આવી રહી છે કે ગડકરી અને તેમનાં પરિવારે ઈ-20 ઇથેનોલ પ્રોગ્રામથી અંગત આર્થિક ફાયદો મેળવ્યો છે, જે તદ્દન પાયાવિહોણું છે.
ગડકરીએ પોતાની અરજીમાં રજૂઆત કરી છે કે દેશમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પોલિસીનું સંચાલન પેટ્રોલિયમ અને નૈસર્ગિક ગેસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. તેમનાં પોતાનાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયનો આ નીતિના વહીવટ સાથે કોઈ સીધો સંબંધ નથી, છતાં સોશિયલ મીડિયા પર ફેક ક્નટેન્ટ ફેલાવીને તેમની રાજકીય અને સામાજિક છબીને મોટું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.
આ કાનૂની દવામાં મેટા, એક્સ અને ગૂગલ ઉપરાંત કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તેમજ ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયને પણ પક્ષકાર બનાવવામાં આવ્યાં છે. આ દાવો કરીને વિવાદિત અને માનહાનિકારક ક્નટેન્ટને તમામ પ્લેટફોર્મ પરથી કાયમી ધોરણે હટાવવા અને આગળ ફેલાતું અટકાવવા માટે મધ્યવર્તી આદેશની માંગણી કરવામાં આવી છે.
આ ગંભીર કાનૂની પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે હાલમાં જ નાગપુરમાં મનીષ કશ્યપ સહિત ચાર જાણીતાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સામે ઇ-20 ફ્યુઅલ અંગે અફવાઓ અને ખોટી માહિતી ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારનું ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ ભારતનાં ઊર્જા ક્ષેત્રે સ્વાયત્તતા મેળવવા માટેનું મહત્વનું પગલું છે, પરંતુ સોશિયલ મીડિયા પર એન્જિનને નુકસાન થવાનાં દાવા અને ભ્રામક વીડિયો વાયરલ થયા બાદ આ વિવાદ હાઈકોર્ટની સાથે-સાથે ટેકનોલોજી કંપનીઓ મેટા અને ગુગલની જવાબદારી સુધી પહોંચી ગયો છે.

