Surat,તા.૨૬
શહેરના રાંદેર વિસ્તારમાં મિત્રો વચ્ચે મજાક-મસ્તીમાં એકબીજાને ‘ડુક્કર’ કહેવા જેવી નજીવી બાબતે થયેલો વિવાદ લોહિયાળ બન્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ થયેલી તકરારમાં બે શખ્સોએ ભેગા મળી ૩૬ વર્ષીય જાવેદ શેખ પર ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા જાવેદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
રાંદેરના શીતલ ચાર રસ્તા નજીક સુભાષનગર વિસ્તારમાં ગણપત ફર્નિચરના ગેટ પાસે જાવેદ મુબીન શેખ પોતાના મિત્રો સાથે ઊભા રહીને વાતચીત અને મજાક-મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન જાવેદ અને ઇરફાન ઉર્ફે કમાન્ડો વચ્ચે એકબીજાને ‘ડુક્કર’ કહેવા જેવી નજીવી બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં સામાન્ય મજાકે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને વચ્ચે ઝઘડો તથા ઝપાઝપી થઈ હતી.
ઝઘડો વધતાં ઇરફાન ઉર્ફે કમાન્ડોએ પોતાના સાથી અસ્ફાક ઉર્ફે આસુને ચપ્પુ લઈને બોલાવ્યો હતો. અસ્ફાક ચપ્પુ લઈને ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફરી તકરાર થઈ હતી. આ દરમિયાન ઇરફાને ચપ્પુ વડે જાવેદ પર હુમલો કરી તેમના ડાબા કપાળ, છાતી, પીઠ અને બંને પગના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ચપ્પુના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જાવેદ શેખને તાત્કાલિક લાઇફલાઇન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને પગલે આઇસીયુમાં સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઇજાઓ જીવલેણ સાબિત થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે મૃતકની પત્નીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ઇરફાન ઉર્ફે કમાન્ડો રમઝાન શેખ અને અસ્ફાક ઉર્ફે આસુ દાઉદ મિયાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. મિત્રો વચ્ચે હસવા-મજાકમાં શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નજીવી બાબતે થયેલી તકરારે એક પરિવારનો આધાર છીનવી લીધો છે.

