CBSE ના ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ માટે ડિજિટલ વિરોધ પ્રદર્શન ચાલુ થવાની તૈયારી છે
New Delhi, તા.૨૯
નીટ પેપરલીક મામલે વિદ્યાર્થીઓનું ડિજિટલ પ્રોટેસ્ટ બાદ રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન પણ થયું. એક મહિનાથી વધુ સમય સુધી જંતર મંતર પર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું જેણે પાછળથી મોટું સ્વરૂપ પણ પકડી લીધું. જો કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર દ્વારા અન્ય માંગણીઓ સ્વીકારી લેવાતા પ્રદર્શન અટોપાઈ ગયું. વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે પહોંચી ગયા પરંતુ લાગે છે કે વિદ્યાર્થીઓનો વિરોધ હજુ શમ્યો નથી. હવે શાળાના વિદ્યાર્થીઓ તરફથી સીબીએસઈની ગડબડીને લઈને અવાજ ઉઠી રહ્યો છે.
૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ સીબીએસઈ ધોરણ ૧૨ની કમ્પાર્ટમેન્ટ એક્ઝામનું આયોજન થયું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે. પહેલાથી વિદ્યાર્થીઓ ડિજિટલ ચેકિંગ એટલે કે ઓએસએમના મારથી પરેશાન છે. કમ્પાર્ટમેન્ટ એક્ઝામમાં ફિઝિક્સનું પેપર આટલું બધુ અઘરું કાઢ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સામેલ થયા બાદ રડી રહ્યા છે.
નીટ પેપર લીક પ્રદર્શન બાદ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદથી રાજીનામું આપવું પડ્યું અને વિદ્યાર્થીઓનો ભરોસો જાળવી રાખવા માટે પીએમ મોદીએ પોતે સામે આવવું પડ્યું. આ સાથે જ તેમણે શિક્ષણમંત્રીના પદની જવાબદારી પ્રહલાદ જોશીને સોંપી દીધી. પરંતુ આ સાથે પીએમ મોદી અને શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીની મુશ્કેલીઓ ઘટી નથી. સીબીએસઈના વિદ્યાર્થીઓ હવે પ્રદર્શન કરવાનું વિચારી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીબીએસઈ ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓ તરફથી નારાજગી વ્યક્ત કરાઈ રહી છે. તેઓ સતત પીએમ મોદી અને શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીને ગુહાર લગાવીને ગ્રેસ માર્ક્સની માંગણી કરી રહ્યા છે. જો કે કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં આવેલા અઘરા પેપર બાદ બાળકોની નારાજગી વધી ગઈ છે. તેઓ સતત સીબીએસઈ બોર્ડની સિસ્ટમ પર સવાલ ઉભા કરી રહ્યા છે. સીબીએસઈ તરફથી આયોજિત કરાયેલી કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં જે રીતે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા મુખ્ય પરીક્ષાની સરખામણીમાં વધુ અઘરી રહી આવામાં વિદ્યાર્થીઓ ખુબ દુખી પણ છે. તેમનો દાવો છે કે ફિઝિક્સનું પેપર ફેબ્રુઆરીમાં થયેલી પરીક્ષાની સરખામણીમાં વધુ અઘરું હતું. એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને કહેવાઈ રહ્યું છે કે ફેબ્રુઆરીની પરીક્ષાઓના આધાર પર તમામ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવા જોઈએ.

