Washington, તા. 31
અમેરિકામાં ગેરકાયદેસર કે યોગ્ય દસ્તાવેજ વગર રહેતાં વિદેશી નાગરિકો સામે કડક કાનૂની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. તાજેતરમાં સામે આવેલાં આંકડા અનુસાર, યુએસ ઈમિગ્રેશન જજોએ જૂન 2026ના એક જ મહિનામાં 801 ભારતીય નાગરિકોને દેશ છોડવા એટલે કે `રિમૂવલ ઓર્ડર’ જારી કર્યા છે.
આ માહિતી `ટ્રાન્ઝેક્શનલ રેકોર્ડ્સ એક્સેસ ક્લિયરિંગહાઉસ’ (TRAC) દ્વારા અમેરિકાનાં ન્યાય મંત્રાલયનાં અદાલતી રેકોર્ડ્સ પરથી એકત્રિત કરીને જાહેર કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, મે મહિનામાં 840 ભારતીયો સામે આ પ્રકારનાં આદેશો કરવામાં આવ્યા હતાં, જેની સરખામણીએ જૂનમાં આ આંકડો સહેજ ઓછો થયો છે. જોકે, સમગ્ર અમેરિકામાં ડિપોર્ટેશનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની છે.
મે મહિનામાં તમામ દેશોનાં મળીને કુલ 58,339 રિમૂવલ ઓર્ડર અપાયાં હતાં, જે જૂનમાં વધીને 78,882 થઈ ગયા છે. આ દર્શાવે છે કે માત્ર એક જ મહિનામાં આદેશોની સંખ્યામાં લગભગ 30 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે અને અમેરિકી કોર્ટો ઈમિગે્રશન કેસોનો ઝડપી નિકાલ કરી રહી છે.
અમેરિકામાં ડિપોર્ટેશનનો સામનો કરી રહેલાં ભારતીય નાગરિકોમાંથી મોટાભાગનાં લોકો ગુજરાત અને પંજાબ રાજ્યનાં વતનીઓ છે. યુએસ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા આઈસીઈ અને બોર્ડર સિક્યોરિટી જેવી એજન્સીઓ મારફતે નોટિસ આપીને આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ ઈમિગે્રશન જજ સુનાવણી કરીને નક્કી કરે છે કે સંબંધિત વ્યક્તિને અમેરિકામાં રહેવા દેવા કે પછી તેમને પોતાનાં દેશમાં પરત મોકલી દેવા.
એશિયાઈ દેશોની વાત કરીએ તો, જૂન મહિનાનાં આંકડાઓમાં ભારત એકમાત્ર એવો એશિયન દેશ છે જ્યાં આટલી મોટી સંખ્યામાં ડિપોર્ટેશન ઓર્ડર આપવામાં આવ્યાં છે. જોકે, લેટિન અમેરિકાના દેશોની સરખામણીએ ભારતનો આંકડો હજુ પણ ઘણો ઓછો છે. સૌથી વધુ રિમૂવલ ઓર્ડર મેક્સિકો (15,773), વેનેઝુએલા (10,939), હોન્ડુરાસ (9,686) અને ગ્વાટેમાલા (8,340) ના નાગરિકો સામે જારી કરવામાં આવ્યા છે.
TRAC સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે જજો દ્વારા આપવામાં આવેલાં આ ઓર્ડર પ્રારંભિક નિર્ણય હોય છે અને તેને આખરી ચુકાદો માની શકાય નહીં. આનો અર્થ એ નથી કે આ તમામ લોકોને તાત્કાલિક દેશનિકાલ કરી દેવાયા છે, કારણ કે આમાંના કેટલાક કેસોમાં હજુ ઉપરની અદાલતોમાં અપીલ કે કાનૂની લડત આપવાનો અવકાશ બાકી રહે છે.
તેમ છતાં, ઈમિગ્રેશન કોર્ટોની સક્રિયતાને કારણે ભારતીય નાગરિકો માટે મુશ્કેલીઓ ચોક્કસપણે વધી રહી છે.

