મંદિરવાળી શેરીના ખુલ્લા પ્લોટમાં સીલ તોડી કેરબામાં ઇંધણ ભરતા બે શખ્સ ઝડપાયા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૫
Jamnagar જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ની પોલીસ ટિમને મળેલી બાતમીના આધારે ગોકુલપર ગામના મંદિરવાળી શેરી નજીક ખુલ્લા પ્લોટમાં દરોડો પાડતાં ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ અને ડીઝલ કાઢી વેચાણ માટે કેરબામાં ભરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૩૨,૪૯,૪૯૯નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૮૭ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કાથળભાઈ મકવાણાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ લતીપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી બાતમીના આધારે ગોકુલપર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ટેન્કરનું સીલ તોડી પ્લાસ્ટિકની પાઇપ મારફતે બ્રેજા કારમાં રાખેલા પ્લાસ્ટિકના કેરબામાં પેટ્રોલ અને ડીઝલ ભરાતું જોવા મળ્યું હતું.પોલીસે સ્થળ પરથી મથુરભાઈ રામભાઈ બાલસરા (ઉ.વ. ૨૮, રહે. વિદ્યુતનગર, મોરબી) અને સોમાભાઈ વકુભાઈ નાગેશ (ઉ.વ. ૪૦, હાલ રહે. પડાણા, તા. લાલપુર, મૂળ રહે. દાત્રાણા, દેવભૂમિ દ્વારકા)ની અટકાયત કરી હતી.
દરોડા દરમિયાન જી.જે. -૭- વાય.ઝેડ ૪૦૦૪ નંબરનું ટેન્કર, જી.જે. -૩૬ આર. – ૬૪૧૯ નંબરની બ્રેજા કાર, આશરે ૮૦ લિટર ડીઝલ, ૪૦ લિટર પેટ્રોલ, પ્લાસ્ટિકની પાઇપ, સીલ તોડવાનું કટીંગ પકડ, બે મોબાઇલ ફોન તેમજ ટેન્કરમાં રહેલું ઇંધણ સહિત કુલ રૂ. ૩૨,૪૯,૪૯૯નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં ટેન્કરમાં આશરે ૯,૯૬૦ લિટર પેટ્રોલ અને ૯,૯૨૦ લિટર ડીઝલ હોવાનું તેમજ તેનું બિલ મુજબનું મૂલ્ય લાખોમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

