ગળામાં દુખાવો ઉપડતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, રાજકોટની ત્રણ હોસ્પિટલમાં સારવાર બાદ આઈ.સી.યુ.માં અંતિમ શ્વાસ લીધા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૩ઃ
Jamnagarના શરૂ સેક્શન રોડ સ્થિત પોલીસ હેડક્વાર્ટરના ક્વાર્ટરમાં રહેતા અને પોલીસ હેડક્વાર્ટરમાં પરેડ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૪૧ વર્ષીય જગદીશભાઈ હરજીભાઈ મકવાણાનું જીબીએસ (ગુઈલેન-બારે સિન્ડ્રોમ) નામની ગંભીર બીમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પોલીસ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
મૂળ ચોટીલા ગામના વતની જગદીશભાઈ મકવાણા જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ પત્ની ઉષાબેન અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. ગળામાં દુખાવો અને ત્યારબાદ જીબીએસની બીમારીનાં લક્ષણો જણાતાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં આશરે દસ દિવસ સુધી સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.
રાજકોટની સદભાવના હોસ્પિટલમાં એક દિવસ સારવાર લીધા બાદ તેમને સેલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આઈ.સી.યુ. વિભાગમાં સારવાર દરમિયાન ગત તા. ૯ ઓક્ટોબરની રાત્રે આશરે ૧૨ વાગ્યે તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
સરકારી કર્મચારી હોવાથી તા. ૧૦ ઓક્ટોબરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનો મૃતદેહને અંતિમવિધિ માટે વતન લઈ ગયા હતા.
આ બનાવ અંગે મૃતકનાં પત્ની ઉષાબેને જામનગરના સીટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે જીબીએસની બીમારી?
જીબીએસ એટલે ગુઈલેન-બારે સિન્ડ્રોમ. આ એક દુર્લભ ચેતાતંત્ર સંબંધિત બીમારી છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી ચેતાતંત્ર પર હુમલો કરવા લાગે છે. તેના કારણે હાથ-પગમાં નબળાઈ, ઝણઝણાટી અને ચાલવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર કિસ્સામાં સ્નાયુઓની નબળાઈ વધતાં લકવો થઈ શકે છે અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં સમયસર નિદાન અને તબીબી સારવાર અત્યંત મહત્ત્વપૂર્ણ બને છે.

