તારાના શબ્દોમાં ‘ટોક્સિક’ માટેનો તેનો ઉત્સાહ જ નહીં, પરંતુ ફિલ્મ સાથેનો તેનું ભાવનાત્મક જોડાણ પણ જોવા મળ્યું હતું
Mumbai, તા.૧૨
ફિલ્મમેકર ગીતુ મોહનદાસની એક્શન ફિલ્મ ‘ટોક્સિક’નું ટ્રેલર શનિવારે રિલીઝ થયું હતું અને ત્યારથી જ તે ચર્ચાનો વિષય બની ગયું છે. ફિલ્મનાં વિઝ્યુઅલ્સ, એક્શન અને ભવ્ય પ્રોડક્શન ડિઝાઇનને કારણે સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ચર્ચા સતત ચાલી રહી છે. આ સાથે ફિલ્મમાં તારા સુતારિયાની હાજરીની પણ નોંધ લેવામાં આવી રહી છે અને તેનાં અભિનયનાં વખાણ થઈ રહ્યા છે.બેંગલુરુમાં ફિલ્મનાં ટ્રેલર લોન્ચ દરમિયાન તારાને તેની ડિઝની પ્રિન્સેસની ઇમેજ અને પરીકથાઓથી આગળ વધીને ટોક્સિક જેવી ફિલ્મનો ભાગ બનવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તારાએ કહ્યું, “જૂની ડિઝની પરીકથાનું એક ખૂબ જ લોકપ્રિય વાક્ય છે, જે કદાચ કંઈક આવું છે, ‘સપનું એ તમારા મનની એક ઇચ્છા હોય છે.’ અને મને લાગે છે કે આ વાત ‘ટોક્સિક’ અને આપણે સૌએ સાથે મળીને સર્જેલી આ પરીકથા માટે ખૂબ જ યોગ્ય છે.“કારણ કે મને લાગે છે કે આ એક એવું સપનું અને ઈચ્છા છે, જે આપણે સૌએ જોઈ છે. ખાસ કરીને એક ટીમ તરીકે આપણી સૌની સામુહિક ઈચ્છા હતી કે આપણે એવી કોઈ વસ્તુ અને એક પ્રકારની પરીકથાનો ભાગ બનીએ, જે ખરેખર અદભુત, અસાધારણ અને આપણા સૌ માટે અલગ-અલગ રીતે ખુબ જ ખાસ હોય.”તારાએ વધુમાં કહ્યું, “અને મને લાગે છે કે, જેમ મેં કહ્યું તેમ, હું આપ સૌની સાથે અહીં હાજર રહીને અને આ અદ્ભુત વાર્તાનો ભાગ બનીને ખુબ જ ભાવુક, અભિભૂત, નમ્ર અને ધન્યતા અનુભવી રહી છું.”તારાના શબ્દોમાં ‘ટોક્સિક’ માટેનો તેનો ઉત્સાહ જ નહીં, પરંતુ ફિલ્મ સાથેનો તેનું ભાવનાત્મક જોડાણ પણ જોવા મળ્યું હતું. ફિલ્મ પ્રત્યેનાં તેનાં વિશ્વાસને કારણે ‘ટોક્સિક’ને લઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધી છે. ફિલ્મમાં રેબેકાના પાત્રમાં તારાની આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ માટે પહેલેથી જ વખાણ થઈ રહ્યા છે.

