Mumbai, તા.૧૪
બોલિવૂડ અભિનેત્રી Kareena Kapoor ખાન દ્વારા દીવાળીના અવસરે પહેરવામાં આવેલા એક પન્નાના પ્રાચીન શાહી લોકેટને લઈને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ સર્જાયો છે. આ લોકેટ પર કુરાનની આયત લખેલી હોવાને કારણે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હાફિઝ દ્વારા અભિનેત્રીને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.
જોકે, આ સમગ્ર વિવાદ વચ્ચે હવે હિન્દુ ઉત્સવ સમિતિ અને સંસ્કૃતિ બચાવો મંચ કરીનાના સમર્થનમાં આગળ આવ્યા છે.હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ‘કરીનાએ આ બાબતે કોઈની પાસે માફી માંગવાની જરૂર નથી. લોકેટ ગળામાં પહેરવા માટે હોય છે અને જો તેના પર કુરાનની આયત લખેલી હોય, તો પણ કરીના તેને કોઈ એવી જગ્યાએ નહીં પેહરે કે જ્યાં તેનું અપમાન થાય. કરીના ભોપાલના પૂર્વ શાહી પરિવારની વહુ છે, તેથી પોતાના સાસુના પરિવાર સાથે જોડાયેલી વારસાની ચીજવસ્તુઓ પહેરવી એ એક સ્વાભાવિક બાબત છે.’
હિન્દુ સંગઠનોના આ સમર્થનને કારણે આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કરીનાની દીવાળીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ. સેલિબ્રિટી સ્ટાઈલિશ રિયા કપૂરે જણાવ્યું હતું કે, ‘કરીનાએ આ લગભગ ૨૦૦ વર્ષ જૂનું પન્નાનું લોકેટ પહેર્યું છે, જે ભોપાલના પૂર્વ શાહી પરિવારના વારસા સાથે જોડાયેલું છે.’ લોકેટ પર કુરાનની આયત હોવાની વાત સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા અબ્બાસ હાફિઝે વકીલ મારફતે કાનૂની નોટિસ મોકલી હતી. તેમનું માનવું છે કે ધાર્મિક આયતને આ પ્રકારે સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવાથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે, તેથી તસવીરો હટાવીને માફી માંગવી જોઈએ.

