Ahmedabad,તા.૧૩
અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદના બે દિવસ બાદ આખરે હરકતમાં આવી છે. શાળા સંચાલન દ્વારા વાલીઓની ફરિયાદો સાંભળવા માટે બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે સોમવારથી ફરિયાદ ધરાવતા વાલીઓને વન ટુ વન મળી તેમની રજૂઆત સાંભળવામાં આવશે. આ નિર્ણય બાદ વાલીઓને પોતાની ફરિયાદ સીધી શાળા સંચાલન સમક્ષ રજૂ કરવાની તક મળશે. શાળા દ્વારા વધુમાં નર્સરીથી ધોરણ ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓને આગામી સૂચના ન મળે ત્યાં સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત શાળામાં આવતા અન્ય વિદ્યાર્થીઓ માટે વાલીઓને મેસેજ કરીને નાસ્તો અને જમવાનું ઘરેથી સાથે મોકલવા જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નારોલ ગુજરાતી શાળા નંબર ૧/૨ પણ ગંભીર વિવાદમાં આવી છે. શાળા અંગે એવા આક્ષેપો સામે આવ્યા છે કે બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. સાથે જ વિદ્યાર્થીઓને પીવા માટે શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ નથી. જેના કારણે બાળકોને લીલ જામેલા પાણીની ટાંકીમાંથી પાણી પીવાની ફરજ પડી રહી હોવાનું સામે આવ્યું છે.
આ શાળામાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે. માહિતી મુજબ વિદ્યાર્થીઓ મોબાઈલ ટાવર નીચે અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈને પણ વાલીઓમાં ચિંતા વધી છે. શાળામાં પાણી ઠંડું રાખવા માટેનું વોટર કૂલર મશીન પણ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓને જરૂરી પીવાના પાણીની સુવિધા પણ મળતી નથી.
સમગ્ર મામલે શાળાના પ્રિન્સિપાલ અને નાયબ મદદનીશ શિક્ષણાધિકારીએ મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું હતું. ફ્ફદ્ગઈઉજી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાને બદલે બંને અધિકારીઓએ મોટા અધિકારી સમગ્ર મામલે જવાબ આપશે તેમ કહી મૌન ધારણ કર્યું હતું. આ ઘટનાએ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી મૂળભૂત સુવિધાઓ, સ્વચ્છતા અને સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. હવે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
વાલીઓએ પણ વિદ્યાર્થીઓના આરોગ્ય, સુરક્ષા અને શિક્ષણ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની માંગ કરી છે. એક તરફ આનંદ નિકેતન શાળા વાલીઓની ફરિયાદો સાંભળવા આગળ આવી છે, જ્યારે બીજી તરફ એએમસી સંચાલિત શાળામાં સામે આવેલા ગંભીર આક્ષેપો અંગે યોગ્ય તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.

