Ahmedabad,તા.૧૩
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ગંભીર મામલો સામે આવ્યો છે. બોગસ દસ્તાવેજો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોટી ફાઇલો બતાવી અરજદારો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પીડિતોએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ સામે છેતરપિંડી અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
અમદાવાદના વાસણા વિસ્તારમાં ઔડાના આવાસ યોજનાના મકાન અપાવવાના બહાને ૬.૮૮ લાખની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ અરજદારોને સરકારી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપી તેમની પાસેથી તબક્કાવાર મોટી રકમ વસૂલવામાં આવી હતી. આરોપીઓએ મકાન ફાળવણી, લોન ફાઇલ તૈયાર કરાવવી તેમજ જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા કરાવવાના નામે અરજદારો પાસેથી લાખો રૂપિયા લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર મામલે છગન ચૌહાણ અને મહેબૂબ ઉર્ફે બાબુ અજગર નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંનેએ મળીને અરજદારોનો વિશ્વાસ જીતી સરકારી આવાસ યોજના હેઠળ મકાન અપાવી આપવાની ખાતરી આપી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોગસ ફાઇલો, દસ્તાવેજો અને ફોટોગ્રાફ્સ બતાવી સમગ્ર પ્રક્રિયા સાચી હોવાનું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દસ્તાવેજો જોઈ અરજદારોને વિશ્વાસ આવ્યો હતો અને તેમણે આરોપીઓને રૂપિયા આપ્યા હતા.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓ અરજદારોને વાસણા વિસ્તારમાં આવેલું એક મકાન પણ બતાવવા લઈ ગયા હતા. આ મકાન જ તેમને ફાળવવામાં આવશે તેવી ખાતરી આપી વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જોકે બાદમાં જ્યારે અરજદારોએ સમગ્ર મામલે તપાસ કરી ત્યારે સામે આવ્યું કે જે મકાન બતાવવામાં આવ્યું હતું તેમાં પહેલાથી જ અન્ય લોકો રહેતા હતા. ત્યારબાદ તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
પીડિતોએ આરોપીઓ પાસે પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એટલું જ નહીં, રૂપિયા માંગવા જતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. ધમકી મળ્યા બાદ પીડિતોએ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો અને વાડજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને પીડિતોએ વાડજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, મકાન અપાવવાના બહાને, લોન ફાઇલ અને દસ્તાવેજોની પ્રક્રિયાના નામે અરજદારો પાસેથી કુલ ૬.૮૮ લાખ પડાવવામાં આવ્યા હતા. હવે પોલીસ બોગસ દસ્તાવેજો, મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે રજૂ કરાયેલી ફાઇલો તેમજ સમગ્ર નાણાકીય વ્યવહારની તપાસ કરી રહી છે.

