New Delhi, તા. 14
કેન્દ્ર સરકાર વિવિધ ભારતીય ભાષાઓ અને વોઇસથી ચાલતી AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજી પર કામ કરી રહી છે, જેથી સરકારી કામકાજ અને સેવાઓ તમામ લોકો સુધી સરળતાથી પહોંચી શકે. IT મંત્રાલયનાં જણાવ્યાં મુજબ, આ લક્ષ્ય પૂરું કરવા માટે ડિજિટલ ઇન્ડિયાના ‘ભાષિણી’ વિભાગ અને નીતિ આયોગ વચ્ચે એક મહત્વનો કરાર કરવામાં આવ્યો છે.
આ ભાગીદારીનો મુખ્ય હેતુ ‘ભાષિણી’ સિસ્ટમનો ઉપયોગ કરીને સરકારી સેવાઓને સામાન્ય લોકો માટે વધુ સરળ અને સુલભ બનાવવાનો છે. આ માટે નીતિ આયોગની તમામ ડિજિટલ સેવાઓ અને પ્લેટફોર્મ સાથે આ આધુનિક ભાષા ટેકનોલોજીને જોડી દેવામાં આવશે.
સરકારી નિવેદન અનુસાર, આ નવી વ્યવસ્થાથી દેશનાં નાગરિકો પોતાની પસંદગીની કોઈ પણ ભારતીય ભાષામાં સરકારી માહિતી અને સેવાઓ મેળવી શકશે. આનાથી સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બનશે.
‘ભાષિણી’ના ભાષા અનુવાદ ટુલ અને એપ્લિકેશન દ્વારા નીતિ આયોગની સેવાઓ હવે અલગ-અલગ ભાષાઓમાં ખૂબ આસાનીથી લોકોને ઉપલબ્ધ બનશે.

