Ayodhya, તા. 14
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગણતરી અને વ્યવસ્થાપનમાં સુધારા બાદ હવે પૂજા પદ્ધતિમાં પણ મહત્વનાં ફેરફારો કરવામાં આવી રહ્યાં છે. રામ જન્મભૂમિ મંદિરમાં શ્રીરામલલ્લાના તમામ પુજારીઓ હવે એકસમાન ગણવેશમાં જોવા મળશે. નવા ડ્રેસ કોડ હેઠળ તમામ પુજારીઓ પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરશે.
ગરમીની ઋતુ માટે પુજારીઓ માટે નીચે ધોતીયું અને ઉપર ખભા પર રાખવા માટે વગર સીવેલું રેશમી પીળું વસ્ત્ર નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય ટ્રસ્ટની અગાઉની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
હવામાન બદલાવાની સાથે વસ્ત્રોના પ્રકારમાં ફેરફાર થશે, પરંતુ તેનો રંગ પીળો જ રહેશે. શિયાળા અને ઠંડીની ઋતુમાં પુજારીઓને હવામાન મુજબ ઊની વસ્ત્રો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ધાર્મિક સમિતિનાં જણાવ્યાં અનુસાર, રેશમી અને ઊની વસ્ત્રો ધાર્મિક શુચિતા અને પવિત્રતાની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
આ જ પરંપરા અને પવિત્રતાને જાળવી રાખવા માટે તમામ પુજારીઓ માટે એકસમાન વેશભૂષા નક્કી કરાઈ છે, જેથી રામ મંદિરની પૂજા વ્યવસ્થામાં એકરૂપતા દેખાઈ આવે.
રામલલ્લાના પુજારીઓની ડ્યુટીનો સમય દર મહિનાની અમાસ અને પૂનમે બદલાઈ જાય છે. સાવન કૃષ્ણ અમાસ પર જે ગ્રુપનાં પુજારીઓની ડ્યુટી સવારની પાળીમાં હતી, તેઓ પ્રતિપદાથી સાંજની પાળીમાં આવી ગયાં છે.
આ નવો સમય સાવન શુક્લ પ્રતિપદાથી લાગું થવાનો હતો, પરંતુ ગુરુવારે સવારે આરતી સમયે તમામ પુજારીઓ જૂની પરંપરા મુજબ જ નજરે પડ્યાં હતાં. આથી હવે આ નવો ડ્રેસ કોડ 15 ઓગસ્ટથી પૂર્ણપણે લાગું કરવામાં આવશે તેવું માનવામાં આવે છે.
વસ્ત્રોની પવિત્રતા અંગે ધાર્મિક ન્યાસ સમિતિનાં સભ્ય સ્વામી રાજકુમાર દાસે જણાવ્યું કે વૈષ્ણવ પરંપરામાં મંદિરનાં ગર્ભગૃહમાં, જ્યાં ભગવાન શ્રીઠાકુરજી વિરાજમાન છે, ત્યાં મર્યાદાનું પાલન થવું અનિવાર્ય છે.
તેમણે ઉમેર્યું કે, ઊની વસ્ત્રોની સરખામણીમાં સુતરાઉ વસ્ત્રો અશુદ્ધ ગણાય છે અને જો તે સીવેલા હોય તો પૂરેપૂરા અશુદ્ધ માનવામાં આવે છે. આથી પૂજાની પવિત્રતા અને મર્યાદા જાળવવા માટે પુજારીઓ માટે સીવેલા વગરનાં રેશમી પીળા વસ્ત્રો પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

