Surat,તા.૨૨
સુરત શહેરમાં એક દંપતી દ્વારા કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, દંપતીએ ઈન્ડસિંક એક્સિમ કંપની સાથે કુલ રૂ.૧૫.૫૭ કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
ફરિયાદ અનુસાર, આરોપીઓએ કંપનીનો વિશ્વાસ કેળવી અલગ-અલગ વ્યવહારોમાં બોગસ દસ્તાવેજો અને ચુકવણીના ખોટા પુરાવાનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓએ કંપનીને ચુકવણી કરી હોવાનું દર્શાવવા માટે બોગસ યુટીઆરના સ્ક્રીનશોટ મોકલ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ રીતે કંપનીને રકમ ચૂકવાઈ રહી હોવાનો વિશ્વાસ અપાવી માલ મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે.આ ઉપરાંત, દંપતીએ કંપનીને બોગસ ચેકપણ આપ્યા હતા. શરૂઆતમાં વ્યવહાર સામાન્ય હોવાનું જણાતું હતું, પરંતુ બાદમાં ચેકો બેંકમાં જમા કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો.
ફરિયાદ મુજબ, આરોપીઓએ બોગસ ચલણોના આધારે આશરે રૂ.૧૦.૬૨ કરોડનો માલ કંપની પાસેથી મેળવ્યો હતો. માલની સામે યોગ્ય ચુકવણી ન થતાં કંપનીને મોટું આર્થિક નુકસાન થયું હોવાનો આરોપ છે. દંપતી દ્વારા આપવામાં આવેલા કુલ ૯ ચેક બાઉન્સ થતાં કંપનીને શંકા ગઈ હતી. ત્યારબાદ વ્યવહારોની તપાસ કરતાં બોગસ ેંન, ખોટા ચુકવણીના પુરાવા અને અન્ય દસ્તાવેજો અંગેની વિગતો સામે આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ મામલે કંપની તરફથી ખટોદરા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે દંપતી સામે ફરિયાદ નોંધી સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી છે.
રૂ.૧૫.૫૭ કરોડ જેટલી મોટી રકમ સંકળાયેલા આ કેસમાં પોલીસે દંપતી દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો, બેંક એકાઉન્ટ, ચેક, યુટીઆર અને કંપની પાસેથી મેળવેલા માલ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. આ છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થઈ શકે છે.

