Surat,તા.૧૩
સુરતના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર નાગરાજન બાદ હવે સુરતમાં ફરજ બજાવતા વધુ એક અધિકારીની મુશ્કેલી વધવાના સંકેત મળી રહ્યા છે. સુરતમાં તૈનાત આઇપીએસ નકુમ સામે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપીને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાના મામલે હાઈકોર્ટે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.
આ સમગ્ર મામલે એડવોકેટ ઉત્કર્ષ દવે દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં આરોપીને જાહેરમાં માર મારવાની ઘટનાને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સાથે જ પોલીસ દ્વારા આરોપીઓ સાથેના વર્તનને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અને રાજ્યના ડીજીપી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રના ભંગનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો.
રજૂઆત મુજબ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીને જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. કાયદાની પ્રક્રિયા હેઠળ આરોપી સામે કાર્યવાહી કરવાની હોય ત્યારે પોલીસ દ્વારા આરોપીને માર મારવો કે જાહેરમાં અપમાનિત કરવો યોગ્ય છે કે નહીં, તે મુદ્દો પણ આ સમગ્ર મામલામાં મહત્વનો બન્યો છે. આ ઘટનાને લઈને હાઈકોર્ટ સમક્ષ પોલીસની કામગીરી અને જવાબદારી અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.
એડવોકેટ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે પોલીસ કસ્ટડીમાં હોય કે પોલીસની કાર્યવાહી હેઠળ હોય તેવા આરોપીઓ સાથે માનવતાપૂર્ણ અને કાયદેસર વર્તન કરવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તેમજ ડ્ઢય્ઁના પરિપત્રમાં પોલીસની કામગીરી માટે સ્પષ્ટ નિયમો અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. તેમ છતાં જો જાહેરમાં આરોપીને માર મારવામાં આવ્યો હોય તો આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ જરૂરી બને છે.
આ મામલે રાજ્ય સરકાર, ગૃહ વિભાગના સેક્રેટરી, રાજ્ય પોલીસ વડા અને સુરત પોલીસ કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. હાઈકોર્ટ હવે સમગ્ર મામલે સરકાર અને પોલીસ તંત્ર પાસેથી જવાબ માગી શકે છે અને ઘટનાની હકીકત અંગે જરૂરી વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવા કહી શકે છે.
મહત્વપૂર્ણ છે કે સુરતના નાસિર નગર ડિમોલિશન મામલે હાઈકોર્ટની કાર્યવાહી બાદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર નાગરાજનને પદ પરથી દૂર કરવામાં આવ્યા હોવાની માહિતી કોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. આ ઘટના બાદ થોડા સમયમાં સુરત પોલીસ સાથે જોડાયેલા આ નવા મામલે હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લેતાં સુરતના અધિકારીઓની કામગીરી ફરી એક વખત ન્યાયિક તપાસના કેન્દ્રમાં આવી છે.હવે સમગ્ર મામલે ૧૪ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

