Ahmedabad,તા.25
અમદાવાદ શહેરમાં હવે નિર્માણ પામતા તમામ નવા રસ્તાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. શહેરના તમામ નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરના નામ, ફોન નંબર અને રોડ કામગીરીને લગતી તમામ વિગતો પથ્થરની તકતીમાં કોતરાવીને લગાવવી ફરજિયાત બનાવવામાં આવી છે.અગાઉ કલરથી લખાયેલા બોર્ડ થોડા જ સમયમાં ભૂંસાઈ જતા હતા, પરંતુ પથ્થરની તકતી લાંબા સમય સુધી ટકી રહેશે. આ નિર્ણયના કારણે સામાન્ય જનતાને પણ સ્પષ્ટ માહિતી મળશે કે કયો રોડ કોણે બનાવ્યો છે. પરિણામે, ભ્રષ્ટાચાર કે નબળી કામગીરી કરનારા ઈજનેરો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ હવે વધુ સજાગ રહેવું પડશે. જો કોઈ રોડ પર આવી તકતી લગાવેલી નહીં હોય તો સંબંધિત કોન્ટ્રાક્ટરના બિલનું પેમેન્ટ પણ અટકાવી દેવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, રોડના ગેરેન્ટી પિરિયડ દરમિયાન ચકાસણીની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરના શિરે રાખવામાં આવી છે.
નવા નિયમ મુજબ રોડ પર લગાવવામાં આવનારી પથ્થરની તકતીમાં રોડની સંપૂર્ણ વિગત, ઝોન અને વોર્ડની માહિતી આપવી પડશે. આ ઉપરાંત કામગીરી પૂરી કરવાની નિર્ધારિત તારીખ, ગેરેન્ટી અને ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ, કોન્ટ્રાક્ટરનું નામ અને ફોન નંબર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટોલ ફ્રી નંબર સ્પષ્ટ રીતે ઉલ્લેખવો પડશે. જો ભવિષ્યમાં કામની સમયમર્યાદામાં કોઈ ફેરફાર થાય તો તેની અલગથી સુધારાની તકતી પણ લગાવવાની રહેશે.બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. તાજેતરમાં જ સરકારે તમામ શહેરી વિસ્તારોના આંતરિક રસ્તાઓ આરસીસીથી બનાવવાનો નિર્ણય કર્યો છે. છતાં ઈજનેર ખાતાના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં 7 મોડલ રોડ પેવર (ડામર)થી વિકસાવવા માટે રૂ. 136 કરોડની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં બિટ્યુમીન એટલે કે ડામરના ભાવ તફાવત ચૂકવવાની પણ શરત રાખવામાં આવી હતી.
રોડ એન્ડ બિલ્ડિંગ્ઝ કમિટીની બેઠકમાં આ વિસંગતતા સામે આવતા જ આટલી મોટી રકમની દરખાસ્તને મોકૂફ રાખવાની ફરજ પડી છે. ઈજનેરોની આ ભૂલના કારણે આટલો મોટો મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે. હવે સરકારી નિયમ મુજબ રોડ આરસીસીથી બનાવવા માટે નવા પ્લાન અને એસ્ટીમેન્ટ સહિતની તમામ વિગતો ફરીથી તૈયાર કરવા માટે ઈજનેર વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.

