Ahmedabad,તા.25
અમદાવાદના સીજી રોડમાં આવેલી ફીનો પેમેન્ટ બેંકના સંચાલકોએ નડીયાદમાં રહેતા એક વ્યક્તિને બેંકની વિવિધ પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર બનાવીને તેમના દ્વારા રૂ.2.46 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જેમાં શરૂઆતમાં કમિશન ચુકવ્યા હતું. જો કે, ત્યારબાદ કમિશન આપવાનું બંધ કરી દીધું હતું. તેમજ મૂડી પણ પરત ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી. સમગ્ર મામલે CID ક્રાઇમના અમદાવાદ યુનિટમાં ફરિયાદ નોંધવામાં આવી છે.ફરિયાદ અનુસાર, ફરિયાદીને બેંકની પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર બનાવીને વિશ્વાસમાં લીધા બાદ છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં આરોપીઓએ શરૂઆતમાં તો નાણાંનું રોકાણ કરાવીને 30 લાખ કમિશન આપ્યું હતું. જો કે, પછી કમિશન કે મૂડી ન આપીને ફરિયાદી સાથે કરોડોનું ફ્રોડ કરાયું હતું.
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, નડીયાદમાં રહેતા કિરણભાઇ પ્રજાપતિ વિવિધ બેંકની પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા હતા. વર્ષ 2020માં તે ફીનો પેમેન્ટ બેંકના ડિસ્ટ્રીબ્યુટર બન્યા હતા. જેમાં તેમની પાસે બેંકના ઝોનલ હેડ કલ્પીત સોની, સુરેન્દ્ર શર્મા, હિંમાશુ મિશ્રા અને શૈલેષ પાંડે તેમજ બેંકના અન્ય જવાબદાર લોકોએ વિવિધ સ્કીમમાં કુલ રૂ.2.46 કરોડનું રોકાણ કરાવ્યું હતું. ખાસ કરીને ગોલ્ડ લોન સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ પર ઉંચા કમિશનની ખાતરી આપી હતી. જેથી કિરણભાઇએ વિવિધ રોકાણકારો પાસેથી નાણાં લઇને બેંકમાં રોક્યા હતા. જેની સામે તેમને શરૂઆતમાં 30 લાખ કમિશન આપ્યું હતું. પરંતુ ત્યારબાદ રોકાયેલી મૂડી અને વ્યાજ પરત કર્યા નહોતા. આ અંગે CID ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

